બ્રાઝીલમાં એક વીડિયો પ્રકાશમાં આવ્યો છે. વીડિયોમાં એક મગર સ્વિમર પર હુમલો કરતો જોઈ શકાય છે. ઘટના શનિવારની છે, જ્યારે બ્રાઝીલના કેમ્પો ગ્રેન્ડેમાં લોગો ડો અમોર તળાવમાં એક વ્યક્તિ સ્વિમિંગ કરવા ઉતર્યો હતો. આ તળાવ સ્વિમિંગ માટે બંધ છે કારણ કે તેમાં મગર છે. તેમ છતાં એક વ્યક્તિએ સ્વિમિંગ કરવાની કોશિશ કરી. આ સમગ્ર ઘટનાને બાજુમાં જ ઉભેલા એક ટુરીસ્ટે તેના કેમેરામાં કેદ કરી લીધી છે.
લોહીલુહાણ હાથ લઈને તળાવની બહાર નીકળ્યો શખ્સ
એક સ્વિમર જેવી તરવાની શરૂઆત કરી કે તરત જ મગરે તેનો પીછો કર્યો હતો. વીડિયોને રેકોર્ડ કરનાર વિલયાન સિટાનો જણાવ્યા મુજબ, સ્વિમરે મગરથી બચવા માટે ઝડપથી તરવાનું શરૂ કર્યું. જોકે મગર પણ એટલી જ ઝડપથી સ્વિમર તરફ આગળ વધતો રહ્યો. થોડીવારમાં જ મગરે સ્વીમર પર હુમલો કર્યો અને તેના હાથનો થોડો ભાગ ચાવી નાંખ્યો. જ્યારે સ્વિમર તળાવમાંથી બહાર નીકળ્યો તો તેનો હાથ લોહીવાળો હતો અને તેના ચહેરા પર ડર દેખાઈ રહ્યો હતો.
વોર્નિંગ સાઈન ન હોવાના કારણે સર્જાયો અકસ્માત
સ્થાનિક મીડિયા રિપોર્ટના જણાવ્યા મુજબ, લોકોએ મોબાઈલ ઈમરજન્સી સર્વિસને બોલાવી. સ્વિમરને હાથ સિવાય કોઈ જગ્યાએ ઈજા થઈ નહોતી. એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું કે બધા જાણે છે કે તળાવમાં મગર છે. ક્યારેક કોઈ તે તરફ જાય છે તો અમે તેને તળાવમાં ઉતરતો અટકાવી દઈએ છીએ. જોકે વોર્નિગ સાઈન ન હોવાના કારણે આ સ્વિમર આ તળાવમાં ઉતરી ગયો અને તેની પર હુમલો થયો.