ઓનલાઇન એજ્યુકેશનમાં સતત ઓનલાઇન અને વધારે સ્ક્રીન ટાઇમના કારણે બાળકોમાં યાદશક્તિ ઘટી હોવાની સમસ્યા જોવા મળી રહી છે. મનોચિકિત્સકો પાસે યાદશક્તિ ઘટી હોવાના કેસોની સંખ્યામાં 40 ટકાનો વધારો થયો છે. મનોચિકિત્સકોના મતે, દિવાળીના વેકેશનમાં વાલીઓએ બાળકો પાસે યાદશક્તિની એક્સરસાઇઝ કરાવવી જોઇએ. જેથી નવા સત્રમાં તેના પરિણામ પર સારી અસર પડી શકે.
ઓનલાઇન એજ્યુકેશનને કારણે બાળકોનો સ્ક્રીન ટાઇમ વધ્યો હતો. જેની અસર બાળકોમાં હવે જોવા મળી રહી છે. બાળકોની યાદશક્તિમાં ઘટાડો થતા બાળકોને લાંબા સમય માટે કોઇ બાબત યાદ રહેતી નથી. જેથી તેઓમાં યાદશક્તિની સાથે ચીડિયાપણું પણ જોવા મળી રહ્યું છે.
સાઇકિયાટ્રિસ્ટ ડો. રમાશંકર યાદવે જણાવ્યું કે, બાળકોમાં યાદશક્તિની સમસ્યા જોવા મળી રહી છે. જેની અસર બાળકોના અભ્યાસ પર જોવા મળી રહી છે. યાદશક્તિની સમસ્યાને કારણે બાળકોમાં ચીડિયાપણું વધ્યું છે, તેઓપોતાના ઘરના સભ્યો સાથે પણ ઘણીવાર ઉગ્ર થઇ જાય છે. વાલીઓએ સત્ર શરૂ થાય તે પહેલા જ આ સમસ્યાનું નિરાકરણ લાવવું જોઇએ.
આ પ્રવૃત્તિથી યાદશક્તિ વધારી શકાશે
- વાલીઓ બાળકો માટે પ્લે કાર્ડ બનાવી શકે છે, જેમાં એક તરફ નામ અને બીજી તરફ નંબર લખીને બાળકોને આપીને તેઓની યાદ રહે તેવી ગેમ રમાડી શકાય.
- દિવાળી પર પરિવારના સભ્યો સાથે બેઠા હોય ત્યારે વાર્તા શરૂ કરવી. પહેલો વ્યક્તિ એક વાક્ય બોલે, બીજી વ્યક્તિ તે બાબતને પોતાની કલ્પના પ્રમાણે વાર્તા આગળ વધારે. આ પ્રવૃત્તિમાં બાળકોએ કલ્પના શક્તિથી આગળની વાર્તાને યાદ રાખવી પડશે.
- વેકેશન દરમિયાન ફિઝિકલ ગેમ રમવા પ્રોત્સાહિત કરવા.