ગિરનાર : 14 તારીખ અને રવિવારે એટલે આજે, કારતક સુદ અગિયારસે મધ્યરાત્રિના સમયે ગરવા ગિરનારની પ્રાચીનતમ લીલી પરિક્રમા શરૂ થવા જઈ રહી છે. આ વખતે પણ માત્ર 400 સાધુસંતોની હાજરીમાં પ્રતીકાત્મક પરિક્રમા કરવાને લઈને જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાધુસંતો અને અન્ય સામાજિક અગ્રણીઓની હાજરીમાં યોજાયેલી બેઠકમાં નિર્ણય કર્યો હતો. જેથી આ લીલી પરિક્રમામા સામાન્ય લોકોને જવાની મંજૂરી નથી. તેમ છતાં અહિં વહેલી સવારથી જ ભાવિકો મોટી સંખ્યામાં ઉમટયા છે. પ્રવેશદ્વાર પાસે ભાવિકોએ જમાવડો કરી દીધો છે. આ સાથે ભક્તો માંગ કરી રહ્યા છે કે, અમને પણ પરિક્રમા કરવા દેવામાં આવે. અહિંના ઈટવા ગેટ પાસે ભાવિકોએ રસોઈ બનાવી હતી. આ સાથે ભાવિકોનું કહેવું છે, કે અમને કોરોના ભલે થાય પણ અમારે તો પરિક્રમા કરવી જ છે.
લીલી પરિક્રમમા કરવા આવેલા ભક્તો મોટી સંખ્યામાં ભેગા થઇને માંગ કરી રહ્યા છે કે, તેમને પણ પરિક્રમા કરવા જવા દેવામા આવે. સુરતથી આવેલા ભક્તો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યુ કે, અમે અહીં બે દિવસથી આવ્યા છે. રાહ જોઇ રહ્યા છે કે, ક્યારે આ પરિક્રમા કરવા જવાનો ગેટ ખોલવામાં આવે અને અમે જઇએ. સવારથી અમે પાણી પણ નથી પીધું અને એક જગ્યાએ જ ઉભા છે. અન્ય ભક્તોએ પણ પોતાની વાત કરતા જણાવ્યુ કે, મારો સરકારને એક જ પ્રશ્ન છે કે, ચૂંટણી આવે છે ત્યારે તમને કાંઇ નથી નડતું અને આસ્થાની વાત આવે છે ત્યારે જ લોકોની સંખ્યા નડે છે. ગિરનારના રોપ વેથી સરકારને આવક થાય છે તેથી તે ચાલુ રાખ્યો છે. તમે તે બંધ કરી દો તો અમે અહીંથી જવા તૈયાર છીએ. નહીં તો તમારે આ ખોલવું જ પડશે.
નોંધનીય છે કે, દર વર્ષે યોજવામાં આવતી ગિરનારની લીલી પરિક્રમાના 35 કિલોમીટર સુધીના લાંબા માર્ગ પર સ્થાનિક ઉતારામંડળ દ્વારા લોકોને ભોજન પ્રસાદ અને અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હોય છે.