રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર રોડની સાઈડમાં નીચે ઉતરી જતા કારમાં સવાર એક વ્યક્તિનું કમકમાટીભર્યુ મોત નિપજ્યુ છે. તો બીજા ત્રણ લોકોનો આબાદ બચાવ થયો છે.
ઉપલેટા :રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર રોડની સાઈડમાં નીચે ઉતરી જતા કારમાં સવાર એક વ્યક્તિનું કમકમાટીભર્યુ મોત નિપજ્યુ છે. તો બીજા ત્રણ લોકોનો આબાદ બચાવ થયો છે.ભાયાવદરના ખારચીયા રોડ પર રેલવે ફાટક આગળની ગોળાઈ પાસે આ અકસ્માતનો બનાવ બન્યો હતો. ધોરાજીના મોટી વાવડીનો જીવાણી પરિવાર ધોરાજીના સુપેડી ગામે લગ્ન પ્રસંગે આવ્યો હતો. કારમાં સવાર કોઈ સંબંધીને ઉપલેટાના ખારચીયા ગામે મુકવા જતા આ અકસ્માત થયો હતો. મોડી રાત્રે કાર રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે કાર રોડની સાઈડમાં નીચે ઉતરી ગઈ હતી. જેથી કારમાં સવાર ચાર વ્યક્તિઓ પૈકી એકનું કરૂણ મોત નિપજ્યુ હતું. બનાવમાં મૂળ મોટી વાવડી ગામના અને હાલ રાજકોટ રહેતા દીપભાઈ નવીનભાઈ જીવાણી નામના વ્યક્તિનું કરૂણ મોત નિપજયું છે. તો કારમાં સવાર અન્ય લોકો સાગર ચીમનભાઈ જીવાણી હાલ રાજકોટ તથા આશિષ જેનુભાઈ જીવાણી હાલ સુરત વાળાને હાથ અને પગમાં ગંભીર ઇજાઓ થતાં ઉપલેટા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. જ્યારે અન્ય રમેશભાઈ જેનુભાઈ જીવાણી સુરતવાળાને સામાન્ય ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને ભાયાવદર નગરપાલિકાની એમ્બ્યુલન્સ તેમજ જામકંડોરણાની એમ્બ્યુલન્સમાં ઉપલેટા ખસેડવામાં આવ્યા હતા. તો મૃતકને ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો. હાલ અકસ્માતનું કારણ જાણવા મળ્યુ નથી. પરંતુ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.