દેશમાં આર્થિક અને વ્યવસાયિક પ્રવૃત્તિઓ ઝડપથી સામાન્ય થઈ રહી છે. કોવિડને કારણે, ઘરેથી કામ કરતા મોટાભાગના કામદારો ઓફિસમાં પાછા ફર્યા છે. પરિણામે ઓફિસ સ્પેસની માંગ પણ ઝડપથી વધી રહી છે. 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશના છ મોટા શહેરોમાં ઓફિસના વેચાણ અને લીઝ વાર્ષિક ધોરણે ત્રણ ગણા વધી 1.3 કરોડ ચોરસ ફૂટ થયા છે. છેલ્લા બે વર્ષનો આ સૌથી વધુ આંકડો છે. આ સમયગાળા દરમિયાન પુરવઠો પણ બમણો વધીને 1.43 કરોડ ચોરસ ફૂટ થયો છે. રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ કંપની કોલિયર્સ ઈન્ડિયાના તાજેતરના અહેવાલમાંથી આ માહિતી પ્રકાશમાં આવી છે.નોંધનીય છે કે, ટોચના 6 શહેરોમાં ગ્રેડ A ઓફિસ માર્કેટમાં ખાલી મિલકતોની સંખ્યા બે વર્ષમાં પ્રથમ વખત વધી 18.5% પર સ્થિર રહી છે. કોલિયર્સના જણાવ્યા અનુસાર, આ વર્ષનો પ્રથમ ત્રિમાસિક કોમર્શિયલ ઓફિસ સેક્ટર માટે મહત્વપૂર્ણ વળાંક સાબિત થયો છે, જે છેલ્લા બે વર્ષથી માંગમાં સતત ઘટાડાનો સામનો કરી રહ્યું હતું. આગામી ત્રિમાસિકમાં પણ આ વલણ ચાલુ રહેવાની ધારણા છે.મહામારીના બે વર્ષ બાદ હવે કંપનીઓ ઓફિસમાંથી કામ કરવા માટે ઉત્સાહિત છે. ઓફિસ લિઝિંગનું પ્રમાણ જળવાઈ રહેશે. 2022માં ઓફિસ સ્પેસની માગ વધશે. રમેશ નાયર, સીઇઓ, કોલિયર્સ ઇન્ડિયા.