પશ્ચિમ તેમજ નવા પશ્ચિમ અને પૂર્વ ઝોનમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
અમદાવાદ: અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાતાવરણ વાદળછાયું રહ્યું છે. સવારમાં જ ઓફિસ અવર્સમાં જ ઝરમર વરસાદ અને વાદળછાયું વાતાવરણ હોવાથી હિલસ્ટેશન જેવો માહોલ જણાય છે. અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં એસ.જી. હાઇવે , ઘાટલોડિયા, બોપલ-ઘુમા, સેટેલાઇટ ,બોડકદેવ, વેજલપુર, શ્યામલ, વસ્ત્રાપુર, એલિસબ્રિજ, નવરંગપુરા, સહિત વિવિધ વિસ્તારમાં વરસાદી છાંટા પડી રહ્યા છે. જ્યારે પૂર્વ વિસ્તારના બાપુનગર, નિકોલ, ઠક્કરબાપાનગર, મણિનગર, ગોમતીપુર, વહેલાલ, રખિયાલ, સરસપુર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. 22મી જુલાઈ સુધીમાં ગુજરાતમાં સિઝનનો 53% વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 439.0 એમએમ વરસાદ પડી ચુક્યો છે. ઝોન પ્રમાણે સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં 70.55 ટકા વરસાદ પડ્યો છે. ત્યારબાદ સૌરાષ્ટ્રમાં 69.41%, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં 38.32%, ઉત્તર ગુજરાતમાં 28.3% ટકા વરસાદ નોંધાયો છે. કચ્છમાં સૌથી ઓછો 11.8% વરસાદ પડ્યો છે.