અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં જ રાજકીય પક્ષોએ મતદારો સુધી પહોંચવા પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ વખતે ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે. હાલમાં ભાજપને કોંગ્રેસ કરતાં આમ આદમી પાર્ટીનો વધુ ડર હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. વડાપ્રધાન મોદી અને અમિત શાહ સહિતના કેન્દ્રિય નેતાઓની ગુજરાતની મુલાકાતો વધી રહી છે. તેવામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ આવતીકાલે અમદાવાદની મુલાકાત લે તેવી શક્યતાઓ છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે પ્રથમવાર મેદાનમાં ઉતરી રહેલી આમ આદમી પાર્ટી પણ ચૂંટણીના પ્રચારમાં કોઈ કસર છોડવા માંગતી નથી. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ફરી એક વાર આવતીકાલે 3 જુલાઈએ બે દિવસ માટે અમદાવાદ આવી શકે છે. આમ આદમી પાર્ટી દ્વારા ચાલતા વીજળી આંદોલનમાં કેજરીવાલ જોડાઈ તેવી શક્યતા છે. તેઓ અમદાવાદ અથવા આસપાસના વિસ્તારમાં જાહેરસભા સંબોધી શકે છે.આ પહેલા પણ અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા હતા અને મહેસાણામાં જંગી સભાને સંબોધન કર્યું હતું.ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ડિઝિટલ ઈન્ડિયા વિકનું 4 જૂલાઈથી 7 જૂલાઈ વચ્ચે આયોજન કરવામાં આવ્યું હોય તેનું ઉદ્ઘાટન કરવા માટે વડાપ્રધાન ગુજરાત આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં ડિઝિટલ ક્ષેત્રના અનેક પ્રોજેક્ટ મુકવામાં આવનાર હોય ત્યારે આ કાર્યક્રમની તૈયારીઓને લઈને પણ જોરદાર ધમધમાટ ચાલી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણો દરમિયાન અનેક વખત લોકોને ડિઝિટલાઈઝેશન ઉપર ભાર આપવાનો આગ્રહ કર્યો છે.ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે અમદાવાદ- ગાંધીનગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આજે શનિવારે સવારે 9 કલાકે અમદાવાદ હેબતપુર ખાતે 1 લાખ વૃક્ષો વાવવાના અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ચાંદલોડિયા રેલવે સ્ટેશન ખાતે વિવિધ કાર્યક્રમો યોજાશે. ચાંદલોડિયા રેલવે સ્ટેશનના હાઇલેવલ પ્લેટફોર્મ અને બુકિંગ કાઉન્ટરનું ઉદઘાટન કરશે. અહીંથી તેઓ ચાંદલોડિયા-ખોડિયાર રેલવે અન્ડરબ્રિજનું ઉદઘાટન કરશે. એએમસી અને પશ્ચિમ રેલવેના વિવિધ વિકાસ કામોનું ઉદઘાટન તથા શિલાન્યાસ પણ કરશે.