નવી દિલ્હી: ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ દ્વારા મુસાફરી સસ્તી થઇ શકે છે. નાણાં મંત્રાલયે (Finance Ministry) ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સનું સંચાલન કરનારી ડોમેસ્ટિક એરલાઇન્સને તેલ માર્કેટિંગ કંપનીઓથી વિમાન ઇંધણ એટલે કે એટીએફ (Aviation Turbine Fuel)ની ખરીદી પર 11 ટકા બેસિક એક્સાઇઝ ડ્યૂટીમાંથી રાહત આપી છે. મંત્રાલયે એક નોટિફિકેશનમાં કહ્યું કે, ડોમેસ્ટિક એરલાઇન્સ પાસેથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સના સંચાલન માટે વેચવામાં આવતાં એટીએફ પર બેસિક એક્સાઇઝ ડ્યૂટી વસૂલવામાં નહીં આવે. આ નિર્ણય 1 જુલાઇ, 2022થી જ લાગુ થઇ ગયો છે. અગાઉ સરકારે ગત એક જુલાઇએ વિમાન ઇંધણની નિકાસ પર 6 રૂપિયા પ્રતિ લિટરના દરે ખાસ વધુ એક્સાઇઝ ડ્યૂટી લગાવવાની જાહેરાત કરી હતી. જે બાદ શંકા પેદા થઇ હતી કે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સનું સંચાલન કરનારી ડોમેસ્ટિક એરલાઇન્સ પર આ ચાર્જ લાગુ થશે કે નહીં. તેલ માર્કેટિંગ કંપનીઓનો મત હતો કે એટીએફની નિકાસ પર એક્સાઇઝ ડ્યૂટી લગાવ્યા બાદ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સવાળી ડોમેસ્ટિક એરલાયન્સને 11 ટકાના દરે બેસિક એક્સાઇઝ ડ્યૂટી આપવી પડશે, પરંતુ નાણાં મંત્રાલયે આ અંગે સ્પષ્ટતા કરી કે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે ડોમેસ્ટિક એરલાઇન્સ પર આ એક્સાઇઝ ડ્યૂટી લાગુ નહીં થાય. આ વ્યવસ્થા વિદેશી એરલાઇન્સને એક્સાઇઝ ડ્યૂટીમાં આપવામાં આવતી છૂટ અનુસાર જ હશે. કેપીએમજીના ટેક્સ પાર્ટનર અભિષેક જૈને કહ્યું કે, વિદેશ જતાં વિમાનના ઇંઘણ પર એક્સાઇઝ ડ્યૂટી લાગુ થવા પર સરકારે રાહત આપી દીધી છે. આ એરલાઇન્સ ઇન્ડસ્ટ્રી માટે એક આવકારદાયક યોગ્ય પગલું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં વધારા વચ્ચે એટીએફની કિંમતોમાં પાછલા મહિને 16 ટકાનો વધારો કરાયો હતો, જે અત્યાર સુધીનો સૌથી મોટો વધારો છે. જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓના નોટિફિકેશન અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીમાં એટીએફની કિંમત 19,757.13 રૂપિયા પ્રતિ કિલોમીટર એટલે 16.26 ટકાની વૃદ્ધિ સાથે 1,41,232.87 રૂપિયા પ્રતિ કિલોમીટર (141.2 પ્રતિ લિટર) પર પહોંચી ગઇ હતી.