અમદાવાદ :
દેશના અનેક રાજ્યોમાં વરસાદ કહેર બનીને વરસ્યો છે. ગુજરાતથી હિમાચલ પ્રદેશ સુધીના અનેક રાજ્યોમાં વરસાદના કારણે પૂર અને લેન્ડસ્લાઈડની ઘટનાઓ જોવા મળી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં અનરાધાર વરસાદ તૂટી પડવાના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પાણી ભરાયા છે અને ભારે મોટી તારાજી થઈ છે. લેન્ડસ્લાઈડના કારણે ઉત્તરાખંડના અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. દેશના મેદાની વિસ્તારોથી શરૂ કરીને પહાડી વિસ્તારો સુધીના અનેક ક્ષેત્રોમાં આખો દિવસ અનરાધાર વરસાદ તૂટી પડવાના કારણે તથા નદીઓમાં પાણીના વહેણના કારણે ગામડાંઓ ઉપરાંત શહેરોમાં પણ પૂરની સ્થિતિ પ્રવર્તી છે. રાજ્યમાં અતિ વરસાદવાળા વિસ્તારોમાં એનડીઆરએફની 13 ટીમો, એસડીઆરએફની 16 ટીમો તૈનાત કરવામાં આવી છે. એસડીઆરએફની એક ટીમ છોટા ઉદયપુરમાં પણ તૈનાત કરી દેવાઈ છે. દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસવાના કારણે સ્ટેટ હાઈવે તથા પંચાયતી હાઈવે સહિતના 388 રસ્તાઓ બંધ છે. અમદાવાદમાં ભારે વરસાદના કારણે શહેરમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સાંજના સમયથી શરૂ થયેલા મેઘ તાંડવના કારણે અમદાવાદ સરોવરમાં ફેરવાઈ ગયું હોવાનું જણાઈ રહ્યું હતું. અમદાવાદમાં રવિવારે રાતના 10:00 વાગ્યાથી સવાર સુધીમાં બચાવ કામગીરી માટે 12 જેટલા કોલ નોંધાયા હતા. જ્યારે ફાયર વિભાગને પણ 7 કોલ આવ્યા હતા. બચાવકર્મીઓએ ટોટલ 100 લોકોને પાણીમાંથી સલામત સ્થળોએ ખસેડ્યા હતા. અમદાવાદમાં ભારે વરસાદ બાદ સોમવારે સવારે પણ દાણીલીમડા ગામ, સિંધુ ભવન રોડ વિસ્તાર, ઈસ્કોન બ્રિજથી બોપલ જવાના રસ્તા પર, ઘુમા, આંબલી, ગોમતીપુરની ચાલીઓ સહિતના વિસ્તારોમાં 2-3 ફૂટ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. વરસાદના કારણે લોકોના ઘરોમાં અને નીચાણવાળી કે બેઝમેન્ટની દુકાનોમાં પણ પાણી ભરાઈ જવાના કારણે માલ-સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે. અનેક ઠેકાણે વરસાદમાં ફસાયેલા લોકો તેમના વાહનો રસ્તા પર જ છોડીને સલામત સ્થળે દોડી ગયા હતા જેથી વહેલી સવારે રસ્તાઓ પર ભરાયેલા પાણી વચ્ચે વાહનોનો જમાવડો જોવા મળ્યો હતો. અમદાવાદના પ્રહલાદનગર રોડ પર આવેલા ઔડા તળાવની પાળ તૂટવાના કારણે વ્રજવિહાર એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં તથા આસપાસના વિસ્તારોમાં ભારે પાણી ભરાયું હતું. બેઝમેન્ટમાં ભારે પાણી ભરાવાના કારણે ફોર વ્હીલર પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. રાજ્યમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રવિવારે આશરે 1,500 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી તથા વલસાડ જિલ્લાઓમાં આગામી 5 દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.