નવી દિલ્હી : વર્લ્ડ કપ 2021 પછી ભારત-પાકિસ્તાન પહેલીવાર 28 ઓગસ્ટના રોજ સામ-સામે ટકરાશે. બન્ને ટીમ એશિયા કપમાં ભાગ લેવા માટે દુબઈ પહોંચી ગઈ છે. બુધવારે ટીમ ઈન્ડિયાએ પ્રથમ પ્રેક્ટિસ સેશન પણ કર્યું છે. આ દરમિયાન એ અદભુત દૃશ્ય પણ જોવા મળ્યું. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને મળ્યો હતો. તેણે બાબર સાથે હાથ મિલાવ્યો અને પીઠ થપથપાવી ઉત્સાહ પણ વધાર્યો હતો.BCCIએ આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. કોહલી ઉપરાંત આ વીડિયોમાં હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, સૂર્યકુમાર યાદવ, રવિચંદ્રન અશ્વિન, દિનેશ કાર્તિક અને અર્શદીપ સિંહ સહિતના ખેલાડીઓ નજરે પડે છે. ચહલ અને હાર્દિકે અફઘાનિસ્તાનના ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. બાબર આ સમયે ટોચના બેટ્સમેનની યાદીમાં ટોપ પર છે, જ્યારે કોહલી હાલ ફોર્મ માટે સંઘર્ષ કરી રહ્યો છે.ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન વિરાટ સતત ફ્લોપ રહ્યો હતો ત્યારે તેની ભારે ટીકા થઈ રહી હતી. આ સમયે બાબરે વિરાટનું મનોબળ વધાર્યું હતું. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને વિરાટને ટેગ કર્યો હતો. બાબરે લખ્યું હતું કે આ સમય પણ જતો રહેશે. હિંમત રાખો. બાબરની આ પોસ્ટનાં ભારે વખાણ થઈ રહ્યાં હતાં. આ પોસ્ટનો જવાબ આપતાં વિરાટે લખ્યું હતું કે ‘ધન્યવાદ, આગળ વધતા રહો અને ચમકતા રહો, તમને શુભકામના.’ વિરાટ કોહલી લાંબા સમયથી ફોર્મને લઈને સંઘર્ષ કરી રહ્યો છે. ઈંગ્લેન્ડના પ્રવાસ પર તે ખાસ કમાલ કરી શક્યો નહોતો. આવામાં પાકિસ્તાન સામેની મેચમાં તેના પર બધાની નજર રહેશે. બુધવારે સ્ટાર સ્પોર્ટ્સને આપેલા ઈન્ટરવ્યુમાં કોહલીએ કહ્યું હતું કે ઈંગ્લેન્ડમાં જે થયું એ અલગ વાત હતી. હવે હું મારા શોટ સિલેક્શનમાં ઘણો સુધારો કરી ચૂક્યો છું અને મને હવે બેટિંગમાં કોઈ મુશ્કેલી નથી. મને ખ્યાલ છે કે હું શું કહી રહ્યો છું. તમે ઈન્ટરનેશનલ કરિયરમાં સારી બેટિંગ વગર લાંબો સમય ટકી શકતા નથી. તમારે મેદાન પર પ્રતિકૂળ પરિસ્થિતિમાં અને અલગ-અલગ પ્રકારની બોલિંગનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. હું જાણું છું કે કરિયરમાં ઉતાર-ચઢાવ આવે. હું આ પ્રકારની સ્થિતિમાંથી બહાર નીકળીશ. મારો અનુભવ મારા માટે મહત્ત્વનો છે.