લંડન : બ્રિટનમાં નવા વડાપ્રધાનની જાહેરાતમાં એક સપ્તાહનો સમય બાકી છે. ઋષિ સુનક અને લિઝ ટ્રસ વચ્ચે મુકાબલો છે. સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીના આશરે બે લાખ મતદારોના હાથમાં ચાવી છે. આશરે 70% મતદારોએ સિક્રેટ બેલેટ પક્ષની ઓફિસમાં મોકલી દીધા છે. એક મહિના સુધી ટીવી ડીબેટ અને સભાઓ પછી સુનક પાછળ પડતા નજરે પડી રહ્યા છે. બ્રિટનની આ ચૂંટણીમાં મોંઘવારી સૌથી મોટો મુદ્દો બનીને ઊભરી છે.નાણામંત્રી રહેલા સુનક પાસેથી લોકોને મોંઘવારીથી રાહત મળવાની આશા હતી, પરંતુ મોંઘવારી મુદ્દે સુનક મોડલ નિષ્ફળ જતું દેખાઈ રહ્યું છે. બ્રિટનમાં છેલ્લા એક વર્ષમાં કૉસ્ટ ઓફ લિવિંગમાં 18% વધારો થયો છે. સુનકે એનર્જી બિલમાં સાત ટકા વેટ ઘટાડવાનું વચન આપ્યું હતું, પરંતુ બાદમાં તેમણે આ નિર્ણય યોગ્ય સમયે લેવાની વાત કરી. છેવટે બાજી પલટાતી ગઈ અને સુનક પણ મતદારોને મોંઘવારીથી રાહત મળશે એવો વિશ્વાસ ના અપાવી શક્યા. હવે સુનક પોતાની પાર્ટીના સરવેમાં ટ્રસથી 30 પોઈન્ટ પાછળ થઈ ગયા છે. 1.વિશ્વાસઘાતના આરોપઃ જોનસન કેબિનેટમાંથી રાજીનામું આપીને બળવો કર્યો. ટ્રસ સમર્થકોએ તેમને વિશ્વાસઘાતી ગણાવ્યા. આ સ્થિતિમાં શરૂઆતમાં સાંસદોની પસંદ રહેલા સુનક પછી પાછળ પડી ગયા. 2.મોટા નેતાઓનું સમર્થન નહીંઃ પાર્ટીના મોટા નેતાઓને પોતાના પક્ષમાં ના કરી શક્યા. પેની મોરડોન્ટ અને ટેજેનહાટ પ્રખર વિરોધી થઈ ગયા. શરૂઆતમાં ઓલિવર ડૉવેન, રૂપાર્ટ યોર્ક અને લિયામ હવે પાછળ પડી ગયા છે. 3.વાઈફ ફેક્ટર: લિઝ ટ્રસે પોતાના કેમ્પેનમાં સુનકનાં પત્ની અક્ષતા મૂર્તિનું માઈગ્રન્ટ સ્ટેટસ અને ટેક્સ ચોરીના આરોપો જોરશોરથી ઉછાળ્યા. સુનકે સ્પષ્ટતાઓ પણ કરી, પરંતુ તેઓ નેરેટિવ ના બદલી શક્યા.