અમદાવાદ : ગુજરાતના દરિયાઈ માર્ગે છેલ્લા ઘણા સમયથી આવી રહેલા ડ્રગ્સ પર ATSની ચાંપતી નજર છે. પરંતુ ઘર આંગણે એટલે કે, ગુજરાતના વડોદરામાં જ એક ફેક્ટરીમાં બની રહેલા ડ્રગ્સ પર હવે 6 મહિના બાદ ગુજરાત ATSએ કરોડો રૂપિયાની કિંમતનું 200 કિલો જેટલું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, તેની આંતરરાષ્ટ્રીય બજારમાં 1000 કરોડ જેટલી કિંમત થવા જઈ રહી છે. જ્યારે હવે ગુજરાત ATSએ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આપવામાં આવેલ બાતમીના આધારે વાદિઉલ્લા રહિમુલ્લા નામના અફઘાની શખસની 4 કિલો હેરોઇન સાથે દિલ્હીના વસંતકુંજ વિસ્તારથી ધરપકડ કરી છે. 20 કરોડથી વધુ રકમનો માલ પણ જપ્ત કરાયો છે.અફઘાનિસ્તાનમાં તાજેતરમાં થયેલા સતાપલટા બાદ તાલીબાન સતારુઢ થઈ ગયું છે ત્યારે એક તરફ જ્યાં આંતરરાષ્ટ્રીય બીરાદરીમાં આપસી વેપાર કરવો કે કઈ રીતે કરવો તેને લઈને અસમંજસનો માહોલ છે ત્યાં અફઘાનિસ્તાનથી આવતા કાર્ગોમાં ડ્રગ્સની સીધી સપ્લાય આવતાં ભારત સહિત અન્ય દેશો માટે પણ ચિંતાનો સબબ બન્યો છે. કેમ કે હજી વૈશ્વીક સંગઠનોએ તેમને માન્યતા આપવા અંગે મન નથી મનાવ્યું, જેથી કોઇ કાયદાકીય કાર્યવાહીમાં તેમના પર દબાણ લાવી શકાય તેવી સ્થિતિ પણ હાલ નથી.મુંદ્રામાં હેરોઇનનો મોટો જથ્થો ડીઆરઆઈએ ઝડપ્યા બાદ નાર્કોટીક્સ કન્ટ્રોલ બ્યુરો દ્વારા મુંબઈના નાવાશીવા પોર્ટ પર પણ આજ પ્રકારનું ઓપરેશન હાથ ધરાયું હોવાનું જાણવા મળે છે. શું આયાતકાર પેઢી બન્નેની સરખી છે કે અલગ તે અંગે હાલ મગનું નામ મરી એજન્સીઓ પાડવા માંગતી નથી.6 મહિના પહેલાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(NCB) અને ઇન્ડિયન નેવીએ જોઇન્ટ ઓપરેશન થકી ગુજરાતના મધદરિયે 529 કિલો હશીશ, 234 કિલો મેથેમ્ફેટામાઇન અને થોડી માત્રામાં હેરોઇન ઝડપી પાડ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય કિંમત 2 હજાર કરોડની આસપાસ હતી. મધદરિયામાં આ પ્રકારનું પ્રથમવાર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. NCBને આ પ્રકારનું ડ્રગ ટ્રાફિકિંગ થતું હોવાની માહિતી મળી હતી, જેને નેવલ ઇન્ટેલિજન્સ યુનિટને જાણ કરવામાં આવી હતી, જેને પગલે બન્ને એજન્સીએ સાથે મળીને આ ઓપરેશન પાર પાડ્યું હતું. પોરબંદરના દરિયામાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપવામાં આવ્યો હતો. ડ્રગ્સનો જે જથ્થો પકડાયો છે એ પાડોશી દેશોમાંથી દરિયાઇ માર્ગે ભારત અને બીજા દેશોમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું હતું.