અમદાવાદ : ગુજરાતમાં 14 મી વિધાનસભાની મુદ્દત પુરી થવા આવી છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાતમાં ભાજપ સરકારની ચૂંટણી પહેલાં છેલ્લી કેબિનેટ મળશે. આ બેઠકમાં અતિવૃષ્ટીથી પાક નુકશાન સામે ખેડૂતોને સહાય પેકેજ સહિત, સરકારી ભરતીઓ તથા નાગરીકોને સ્પર્શતા મહત્વના નિર્ણયો જાહેર થઈ શકે છે. ગઈકાલે રાજ્ય સરકારે CNG અને PNG ગેસમાં વેટમાં 10 ટકાનો ઘટાડો અને ગરીબ મધ્યમ વર્ગના પરિવારો જે ઉજ્જ્વલા યોજનાનો ઉપયોગ કરે છે તેમને વર્ષમાં બે સિલિન્ડર મફતમાં આપવાની જાહેરાત કરી હતી. આ બેઠક પહેલાં રાજ્યમાં માળખાગત સુવિધાઓ હેઠળ રસ્તાઓ મુદ્દે પણ ચિતાર મંગાવવામાં આવ્યો છે. આથી આ તમામ વિષય સંલગ્ન બાબતે પણ મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે. આવતીકાલથી વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. તેમના પ્રવાસની તૈયારીઓ અંગે પણ કેબિનેટની બેઠકમાં ચર્ચાઓ થઈ શકે છે. બીજી તરફ પંચાયત અને પોલીસ સહિતની ભરતીઓમાં નિમણૂંક પત્રો એનાયત કરવા, સામાજિક, સાહિત્ય અને સાંસ્કૃતિકક્ષેત્રે પુરસ્કારો એનાયત કરવા સહિતના કાર્યક્રમોની રૂપરેખા આ બેઠકમાં નક્કી થઈ શકે છે. રાજ્ય સરકાર ખેડૂતોને થયેલા નુકસાન સામે રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. 600 કરોડથી વધુના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવશે. જુલાઈ બાદ રાજયમાં ભારે વરસાદથી થયેલા નુકસાન થયુ હતુ તે મામલે રાહત પેકેજ જાહેર કરી શકે છે. 11 જિલ્લામાં નુકસાનીના સર્વે બાદ આવેલા આંકડા પ્રમાણે રાહત પેકેજ જાહેર કરાશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને સાઉથ ગુજરાત ઝોનમાં સૌથી વધારે નુકસાન થયુ છે. તેના માટેની સર્વેની કામગીરી ચાલી રહી હતી. જે પૂર્ણ થઇ ગઇ છે. હવે રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવી શકે છે. આજે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 12મો હપ્તો જાહેર કર્યો છે. દેશભરના 8 કરોડ ખેડૂતોના ખાતામાં 2 હજાર રૂપિયા જમા થયા છે. આ વખતે કેન્દ્ર સરકારે 12મા હપ્તા માટે 16 હજાર કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે. વાસ્તવમાં, પીએમ મોદીએ દિલ્હીના પુસા કેમ્પસમાં આયોજિત પીએમ કિસાન સન્માન 2022 મેળાના ઉદ્ઘાટન દરમિયાન 12મો હપ્તો રજૂ કર્યો હતો. વડાપ્રધાને રસાયણ અને ખાતર મંત્રાલય હેઠળના 600 કિસાન સમૃદ્ધિ કેન્દ્રોનું પણ ઉદ્ઘાટન કર્યું હતુ. તેમણે યુવાનો અને કૃષિ વૈજ્ઞાનિકોને કૃષિ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે મંત્ર પણ આપ્યા હતા.