નિયમોના ઉલ્લંઘનનો અડ્ડો બની ગયેલી રાજપથ ક્લબ વધુ એક વિવાદમાં સપડાઈ છે. ગુરુવારે સાંજે રાજપથ ક્લબમાં સ્વિમિંગ કોચ હાર્દિક પટેલ 12 વર્ષની બાળકીને પટ્ટાથી ફટકારતો હોવાનો વીડિયો વાઈરલ થયો હતો. જેને પગલે આજે બપોર બાદ રાજપથ ક્લબના ચેરમેન જગદીશ પટેલ તથા કોચ હાર્દિક પટેલ સહિત મહિલા આયોગે આ કેસ સંબંધિત તમામ લોકોને તાત્કાલિક હાજર થવા હુકમ કર્યો છે. આ મામલે શહેર પોલીસ કમિશ્નરને તપાસના આદેશ આપ્યા છે. તેમજ એક સપ્તાહમાં ઘટનાનો રીપોર્ટ આપવા હુકમ કર્યો છે. આ ઉપરાંત રાજપથ ક્લબ દ્વારા 4 સભ્યોની એક કમિટી બનાવવામાં આવી છે. આ કમિટી 15 દિવસમાં તપાસ પૂર્ણ કરી ક્લબને રિપોર્ટ સોંપશે.બાળ આયોગ એક્શનમાં
બાળ આયોગના અધ્યક્ષ જાગૃતિ પંડ્યા રાજપથ ક્લબને પત્ર લખશે. બાળ આયોગના હરકતમાં આવતા રાજપથ ક્લબની મુશ્કેલીઓ વધશે તેવું જણાઈ રહ્યું છે. આ મામલે જિલ્લા બાળ સંરક્ષણ અધિકારી પાસે રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે. અંતિમ નિર્ણય ન લેવાય ત્યાં સુધી કોચને ક્લબમાં એન્ટ્રી નહીં આપવાની સુચના અપાઈ છે.
ગણપત વસાવાનું નિવેદન
અમદાવાદ સ્વિમિંગ કોચના અત્યાચાર મુદ્દે પ્રધાન ગણપત વસાવાએ જણાવ્યું કે આ સમગ્ર મામલે બાળ આયોગ અને પોલીસ કમિશનર તપાસ કરશે.
અત્યાચારી સ્વિમિંગ કોચનો બચાવ ઘૃણાસ્પદ છે
રાજપથ ક્લબના સ્વિમિંગ કોચનો માસૂમ બાળકીઓ પરનો અત્યાચાર જેટલો આઘાતનજક છે, એટલું જ ઘૃણાસ્પદ એ કોચના બચાવમાં ક્લબ મેનેજમેન્ટ અને કેટલાક સભ્યોના ટોળાનું ઉતરી આવવું છે. સ્વિમિંગ કોચના અત્યાચારને યોગ્ય ઠરાવવા કહેવાયું કે, મેડલો મેળવવા માટે એ જરૂરી છે! માસૂમ છોકરીઓના શરીર પર પડેલાં સોળ સામે દુનિયાનો કોઇપણ મેડલ તુચ્છ છે. કહેવાય છે કે, એ ટોળાંમાં માર ખાનારી કિશોરીનાં મા-બાપ પણ હતાં. જોકે, એમણે ઓળખ ન આપી! શા માટે? ખરેખર તો સ્વિમિંગ પુલ પાસે જે થયું એ જોઇને કોઇપણ દીકરીના મા-બાપનું લોહી ઊકળી ઊઠે. જેમણે એ વીડિયો જોયો એમને એ પટ્ટો જાણે પોતાના શરીર પર વીંઝાતો હોય એવી અરેરાટી થઇ હતી. મા-બાપ સંતાનોના ભવિષ્યના રખેવાળ હોય છે, એમના માલિક નથી હોતા. સંતાન પ્રથમ આવે એ માટે તમે જો કોઇને પણ એની પર અત્યાચાર કરવાની છૂટ આપશો તો અત્યાચારનું પ્રમાણ વધતું જશે. આજે પટ્ટો વિંઝાયો છે. કાલે બીજું કંઇક થશે