લાંબી પ્રોસીઝર બાદ આખરે સીએમ તરફથી મંજુરીની મહોર લાગતા જૂનાગઢના જંગલમાં 16 ઓકટોબરથી સિંહ દર્શન થઇ શકશે. સાસણ બાદ જૂનાગઢમાં પણ સિંહ દર્શનનો માર્ગ મોકળો થતા જૂનાગઢમાં પ્રવાસીઓ ઉમટી પડશે અને વિકાસના દ્વાર ખુલી જશે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢના જંગલમાં પણ સિંહોનો વસવાટ હોય સિંહ દર્શનની મંજૂરી આપવા માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. દરમિયાન તાજેતરમાં ડ્રેનેજ સમિતીના ચેરમેન શૈલેષભાઇ દવેએ પણ સીએમને પત્ર લખી દિવાળીના તહેવારને ધ્યાને લઇ સિંહ દર્શનને મંજૂરી આપવા માંગ કરી હતી.વેકેશન પૂરૂં થતું હોય 16 ઓકટોબરથી જૂનાગઢમાં પણ સિંહ દર્શન શરૂ કરવામાં આવશે
બાદમાં સીએમ તરફથી આ અંગે હકારાત્મક અભિગમ અપનાવી ઓકટોબર સુધીમાં સિંહ દર્શન શરૂ કરવાની સંભાવના હોવાનું જણાવ્યું હતું. દરમિયાન પૂર્વ ભાજપ મહામંત્રી અમૃતભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે સિંહ દર્શન કાર્યક્રમને સીએમ તરફથી મંજુરી આપી દેવામાં આવી છે. 15 ઓબટોબરે સિંહોનું વેકેશન પૂરૂં થતું હોય 16 ઓકટોબરથી જૂનાગઢમાં પણ સિંહ દર્શન શરૂ કરવામાં આવશે. આ માટે ઇન્દ્રેશ્વર ગેઇટથી જાંબુડીનાકા, પાટવડ કોઠા અને પાતુરણનો વિસ્તાર પસંદ કરવામાં આવ્યો છે. આ રૂટ પર સિંહ દર્શન કરાવવામાં આવશે. જૂનાગઢના જંગલમાં અંદાજીત 50 જેટલા સિંહોનો વસવાટ છે જેથી સિંહ દર્શન વધુ સારી રીતે કરી શકાશે. સિંહ દર્શનનો રૂટ સક્કરબાગથી શરૂ કરવામાં આવે તે જરૂરી છે. કારણકે સિંહ દર્શન શરૂ કરવાનું ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્દ્રેશ્વર ગેઇટ પાસે નથી જે ઉભું કરવું પડે તેમ છે જયારે આ માટે સક્કરબાગ ખાતે ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર છે.