મુંબઈ : આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે એક કાર્યક્રમમાં જાતિ વ્યવસ્થા અંગે મુક્તમને તેમનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે મુંબઈમાં સંત રોહિદાસ જયંતિ સમારોહમાં સંબોધન કરતા જાતિ વ્યવસ્થા માટે પંડિતોને જવાબદાર ઠેરવ્યા હતા. ભાગવતે કહ્યું કે ભગવાને હંમેશા કહ્યું છે કે મારા માટે બધા એકસમાન, તેમાં કોઈ જાતિ કે કોઈ વર્ણ નથી. પણ પંડિતોએ જે કેટેગરીઓ ઊભી કરી તે ખોટું હતું.તેમણે કહ્યું કે જ્યારે દરેક કામ સમાજ માટે હોય છે તો કોઈ ઊંચો કે કોઈ નીચો કે કોઈ અલગ કેવી રીતે થયા? સત્ય જ ઈશ્વર છે… નામ, યોગ્યતા અને સન્માન ગમે તે હોય બધા એક સમાન છે અને તેમાં કોઈ ભેદ નથી. શાસ્ત્રોના આધારે અમુક પંડિતો જે કહે છે તે જૂઠ્ઠાણું છે. આરએસએસ પ્રમુખે કહ્યું કે આપણી આજીવિકાનો મતલબ સમાજ પ્રત્યે પણ જવાબદારી હોય છે. સંત રોહિદાસ અને બાબાસાહેબે સમાજમાં સામંજસ્ય સ્થાપિત કરવાનું કામ કર્યું. આપણા સમાજને વિભાજિત કરી દેવાતા જ બીજાએ લાભ ખાટ્યો. તેનો લાભ લઈને જ આપણા દેશ પર આક્રમણ કરાયા અને બહારથી આવેલા લોકોએ તેનો લાભ લીધો. ભાગવતે કહ્યું કે સંત રોહિદાસ તુલસીદાસ, કબીર, સૂરદાસથી પણ ઊંચો દરજ્જો ધરાવતા હતા. એટલા માટે સંત શિરોમણી હતા.