– મહિલા પ્રીમિયર લીગ : પ્લેયર ઓફ ધ મેચ નોરીસની પાંચ વિકેટ
દિલ્હીના ૨૨૩/૨ના સ્કોર સામે બેંગ્લોરના ૧૬૩/૮ : દિલ્હી તરફથી શેફાલી વર્માના ૬૪ અને મેગ લેનિંગના ૭૨ રન
શેફાલી વર્મા (૮૪) અને મેગ લેનિંગ (૭૨)ની અડધી સદીઓ બાદ તારા નોરીસે ૨૯ રનમાં પાંચ વિકેટ ઝડપતા દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને મહિલા પ્રીમિયર લીગની ટી-૨૦માં ૬૦ રનથી હરાવ્યું હતુ. દિલ્હીએ આ સાથે વિજયી શુભારંભ કર્યો હતો. જ્યારે બેંગ્લોરની હાઈપ્રોફાઈલ ટીમે હાર સાથે શરૃઆત કરી હતી. જીતવા માટેના ૨૨૪ રનના ટાર્ગેટ સામે બેંગ્લોરની ટીમ આઠ વિકેટે ૧૬૩ રન કરી શકી હતી. દિલ્હીની તારા નોરિસને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી. મહિલા પ્રીમિયર લીગમાં સતત બીજી મેચમાં ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરનારી ટીમ હારી હતી. અમેરિકી પ્લેયર નોરીસે પહેલી જ મેચમાં પેરી, રિચા ઘોષ, હેથર નાઈટ સહિતની પાંચ બેટરને આઉટ કરી હતી.
મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી ટી-૨૦માં બેંગ્લોરની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ટોસ જીતીને પ્રથમ દિલ્હીને બેટિંગમાં ઉતાર્યું હતુ. દિલ્હીને મેગ લેનિંગ અને શેફાલી વર્માએ આક્રમક શરૃઆત અપાવી હતી. બંનેએ બેંગ્લોરની બોલરો પ્રભાવ જમાવતા ૮૭ બોલમાં જ ૧૬૨ રનની ભાગીદારી નોંધાવી હતી. જંગી ઓપનિંગ ભાગીદારીએ દિલ્હીનો આત્મવિશ્વાસ વધાર્યો હતો.
શેફાલીએ ૪૫ બોલમાં ૧૦ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથે ૮૪ રન ફટકાર્યા હતા. જ્યારે લેનિંગે ૪૩ બોલમાં ૧૪ ચોગ્ગા સાથે ૭૨ રન નોંધાવ્યા હતા. મારિઝ્ને કૅપ્પે ૧૭ બોલમાં ૩ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે અણનમ ૩૯ રન તેમજ જેમીમા રોડ્રિગ્સે ૧૫ બોલમાં અણનમ ૨૨ રન ફટકારતાં સ્કોરને બે વિકેટે ૨૨૩ રન સુધી પહોંચાડયો હતો. હેથર નાઈટે બે વિકેટ મેળવી હતી.
૨૨૪ના ટાર્ગેટનો પીછો કરતાં બેંગ્લોર તરફથી સ્મૃતિ મંધાના (૩૫) અને એલિસ પેરી (૩૧)એ લડત આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કૅપ્સેએ ડેવિન (૧૪) અને મંધાનાને આઉટ કરી હતી. ૮૯/૨નો સ્કોર ધરાવતા બેંગ્લોરનો ધબડકો થયો હતો અને તેમણે માત્ર ૭ રનમાં પાંચ વિકેટ ગુમાવતા તેઓ ૯૬/૭ પર ફસડાયા હતા. હેથર નાઈટ (૩૪) અને મેગન શટ (૩૦*)નો સંઘર્ષ પણ ટીમને જીતાડી શક્યો નહતો.