– દિલ્હીના શાલિમાર બાગ સ્થિત કોમર્શિયલ ટાવર ટાંચમાં લેવાયું
– અમન હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડે જમ્મુ-કાશ્મીર બેંકના નેતૃત્ત્વવાળી બેંકોના જૂથ પાસેથી 810 કરોડ રૂપિયાની લોન લીધી હતી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ એમ્બિયન્સ ગ્રુપ વિરુદ્ધના બેંક છેતરપિંડી કેસ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગની તપાસના સંદર્ભમાં દિલ્હીના શાલિમાર બાગ વિસ્તારમાં આવેલા ૨૫૨ કરોડ રૂપિયાના બહુમાળી કોમર્શિયલ કોમ્પ્લેક્સ એમ્બિયન્સ ટાવર ને ટાંચમાં લીધો છે.
એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે એમ્બિયન્સ ટાવરની માલિકી એમ્બિયન્સ ટાવર્સ પ્રાઇવેટ લિમિટેડની છે. આ કંપની રાજ સિંહ ગેહલોત દ્વારા પ્રમોટેડ એમ્બિયન્સ ગ્રુપની છે.
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ જારી કરવામાં આવેલા પ્રોવિઝનલ ઓર્ડર હેઠળ ૨૫૨.૧૭ કરોડ રૂપિયાની કોમર્શિયલ બિલ્ડિંગ ટાંચમાં લેવાનો આદેશ આપવામાં આાવ્યો હતો.
ઇડીએ મની લોન્ડરિંગનો આ કેસ જમ્મુ-કાશ્મીર એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઇઆરને આધારે દાખલ કર્યો હતો. જમ્મુ-કાશ્મીર એન્ટી કરપ્શન બ્યુરોની એફઆઇઆર અને ચાર્જશીટ મુજબ અમન હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડે જમ્મુ-કાશ્મીર બેંકના નેતૃત્ત્વવાળી બેંકોના જૂથ પાસેથી ૮૧૦ કરોડ રૂપિયાની લોન લીધી હતી. અમન હોસ્પિટાલિટી પ્રા. લિ.ના પ્રમોટર ડાયરેક્ટર ગેહલોત છે.
ઇડીના જણાવ્યા અનુસાર લોનની રકમ એનપીએ બની ગઇ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે લોનની આ રકમ ડાયવર્ટ કરી હતી અને તેનો ઉપયોગ અન્ય હેતુ માટે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ જ કેસમાં સપ્ટેમ્બર, ૨૦૨૧માં ઇડીએ ગેહલોતની ધરપકડ કરી હતી. તેમના પત્ની શીલા ગેહલોત તથા એમ્બિયન્સ ગ્રુપના અન્ય ડાયરેક્ટરો અમિત ગેહલોત, શમશેર સિંહ અને પવન સિંહના નામ ચાર્જશીટમાં આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ અગાઉ એજન્સીએ આ કેસમાં ૨૦.૨૦ કરોડ રૂપિયાની મિલકતો ટાંચમાં લીધી હતી.