– છેલ્લા છ વર્ષનું સૌથી વધુ વાર્ષિક જીએસટી કલેક્શન
– ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી ફેબુ્રઆરી સુધીના 11 મહિનાનું કુલ જીએસટી ક્લેકશન રૂ. 16.46 લાખ કરોડ
ચાલુ નાણાકીય વર્ષ એટલે કે એપ્રિલ, ૨૦૨૨થી માર્ચ, ૨૦૨૩ સુધીમાં જીએસટીનું કુલ કલેક્શન ૧૮ લાખ કરોડ રૂપિયાની આસપાસ રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. આ વાર્ષિક જીએસટી કલેક્શન અત્યાર સુધીનું સૌથી વધારે છે. છ વર્ષ પહેલા ૨૦૧૭માં જીએસટી અમલમાં આવ્યો ત્યારથી અત્યાર સુધીનું આ વાર્ષિક જીએસટી કલેક્શન સૌથી વધારે છે.
નાણા મંત્રાલયે જારી કરેલા આંકડા અનુસાર ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી ફેબુ્રઆરી સુધીના ૧૧ મહિનાનું કુલ જીએસટી કલેક્શન ૧૬.૪૬ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં ૨૨.૭ ટકા વધારે છે.
માર્ચ મહિનામાં જીએસટી કલેક્શન ૧.૫૦ લાખ કરોડ રૂપિયાની આસપાસ રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે માર્ચ મહિનામાં નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના સરેરાશ માસિક કલેકશન ૧.૪૯ લાખ કરોડ રૂપિયા પણ રહે તો સમગ્ર વર્ષનું કુલ જીએસટી કલેક્શન ૧૭.૮૮ લાખ કરોડ રૂપિયા થાય છે. જે ૧૮ લાખ કરોડ રૂપિયાની નજીક છે.
જીએસટી કલેક્શનના સારા ટ્રેન્ડને જોતા કેન્દ્ર સરકારે સેન્ટ્રલ જીએસટીની આવકના અંદાજમાં વધારો કર્યો છે. કેન્દ્ર સરકારે બજેટમાં ૨૦૨૨-૨૩માં સેન્ટ્રલ જીએસટી ૭.૮૦ લાખ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ મૂક્યો હતો. જો કે એક ફેબુ્રઆરી, ૨૦૨૩ના રોડ સરકારે સેન્ટ્રલ જીએસટીની આવકનો અંદાજ વધારીને ૮.૫૪ે લાખ કરોડ રૂપિયા કર્યો છે.
ફેબ્રુઆરી. ૨૦૨૩માં જીએસટી કલેક્શન ૧.૪૯ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં ૧૨ ટકા વધારે હતું. ફેબુ્રઆરી, ૨૦૨૩માં જીએસટી કલેક્શન ૧,૪૯,૫૭૭ કરોડ રૂપિયા રહ્યું હતું. જ્યારે ફેબુ્રઆરી, ૨૦૨૨માં જીએસટી કલેક્શન ૧,૩૩,૨૦૬ કરોડ રૂપિયા રહ્યું હતું.
નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં કુલ જીએસટી કલેક્શન ૭.૨ લાખ કરોડ રૂપિયા હતું.
વાર્ષિક જીએસટી કલેક્શન ૨૦૧૮-૧૯માં ૧૧.૮ લાખ કરોડ રૂપિયા, ૨૦૧૯-૨૦માં ૧૨.૨ લાખ કરોડ રૂપિયા, ૨૦૨૦-૨૧માં ૧૧.૪ લાખ કરોડ રૂપિયા, ૨૦૨૧-૨૨માં ૧૪.૮ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. ૨૦૨૨-૨૩માં વાર્ષિક જીએસટી કલેક્શન ૧૮ લાખ કરોડ રૂપિયાની આસપાસ રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.