એનસીઆરબીના ક્રાઈમ રેકોર્ડનો હવાલો આપતા ‘વૂમેન એન્ડ મેન ઈન ઈન્ડિયા 2022’ એ તેનો રિપોર્ટ જાહેર કર્યો
રિપોર્ટમાં મહિલાઓના કામ કરવા અને કમાવવાના મૌલિક અધિકારને સુરક્ષિત કરવા માટે વધારે સંવેદનશીલ અને અસરદાર ઉપાયોની માગ કરાઈ
8થી 30 વર્ષની મહિલાઓને દુષ્કર્મનો ખતરો સૌથી વધુ છે. એનસીઆરબીના ક્રાઈમ રેકોર્ડનો હવાલો આપતા ‘વૂમેન એન્ડ મેન ઈન ઈન્ડિયા 2022’ એ તેનો રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે આ વયજૂથમાં મહિલાઓ સૌથી વધુ અસુરક્ષિત છે કેમ કે તેમનામાંથી અનેક નોકરિયાત છે કેમ કે તેમને ઓફિસ અને ઘર વચ્ચે મુસાફરી કરવા, મોડે સુધી કામ કરવા અને સાઈટોની વિઝિટ કરવાની જરૂર પડે છે.
લૈંગિક સંવેદનશીલતાના ક્ષેત્રમાં વધારે કામ કરવાની જરૂર
રિપોર્ટમાં જણાવાયું છે કે 16 વર્ષથી નાની વયજૂથની છોકરીઓમાં દુષ્કર્મના કેસ ઓછા આવવાનું મોટું કારણ સામાજિક ડર હોઈ શકે છે. એવું હોઈ શકે છે કે સામાજિ( ડરને લીધે ફરિયાદ જ ન કરાઈ હોય. તાજેતરમાં જાહેર કરાયેલા વૂમેન એન્ડ મેન ઈન ઈન્ડિયા 2022 રિપોર્ટ મહિલાઓના કામ કરવા અને કમાવવાના મૌલિક અધિકારને સુરક્ષિત કરવા માટે વધારે સંવેદનશીલ અને અસરદાર ઉપાયોની માગ કરે છે. 18થી 30 વયની મહિલાઓનો હવાલો આપતા રિપોર્ટમાં ભારપૂર્વક કહેવાયું છે કે આવી સ્થિતિઓ મહિલાઓના કામ કરવા અને કમાણી કરવાના મૌલિક અધિકારમાં બોજો કે અવરોધ ન બનવી જોઈએ. કાર્યસ્થળે યૌન ઉત્પીડનને રોકવા માટે સરકાર દ્વારા પહેલાથી અનેક ઉપાયો કરાયા છે પણ લૈંગિક સંવેદનશીલતાના ક્ષેત્રમાં વધારે કામ કરવાની જરૂર છે.
એનસીઆરબીના આંકડા અને જાતીય સતામણીના કારણો
એનસીઆરબીના 2021ના આંકડા અનુસાર 31878 દુષ્કર્મ પીડિતાઓમાંથી 20065(63%)ની વય 18-30 વર્ષની વચ્ચે હતી. જ્યારે 1030(12-16 વર્ષ), 183(6-12 વર્ષ) અને 53 છ વર્ષથી ઓછી હતી. અહેવાલ અનુસાર મહિલાઓ વિરુદ્ધ યૌન હિંસા કે જાતીય સતામણીના 70% કેસ પતિ દ્વારા ક્રૂરતા, સંબંધીઓ દ્વારા મહિલાઓની લાજ લૂંટવી અને અપહરણના છે. મહિલાઓ દ્વારા પોતાના જ ઘરમાં પતિ અને સંબંધીઓ દ્વારા આચરાતી ક્રૂરતાનો દર તમામ અપરાધોનો એક તૃતીયાંશ છે. આંકડા જણાવે છે કે મહિલાઓ દ્વારા સુરક્ષા સાથે સમજૂતી કરવાનું ઘરમાંથી જ શરૂ થાય છે. રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણના આંકડા જણાવે છે કે દેશમાં એક તૃતીયાંશ મહિલાઓ તેમના પતિ દ્વારા હિંસાનો સામનો કરી રહી છે. 18થી 49 વર્ષની વયની વિવાહિત મહિલાઓ એ છે જેમણે ક્યારેક તો તેમના પતિ દ્વારા કરાયેલી ભાવનાત્મક, શારીરિક કે યૌન હિંસાનો અનુભવ કર્યો છે.