– સીબીઆઇના હીરક મહોત્વમાં વડાપ્રધાને એજન્સીના વખાણ કર્યા
– સીબીઆઇને તપાસ સોપવા માટે લોકો આંદોલન કરે છે, એટલો લોકોનો એજન્સી પર વિશ્વાસ છે : વડાપ્રધાન
– ઉજવણી નિમિત્તે શિલોંગ, પુણે, નાગપુરમાં સીબીઆઇના નવા કાર્યાલયોનું મોદીએ ઉદ્ધાટન કર્યું
નવી દિલ્હી : સીબીઆઇના સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એજન્સીના વખાણ કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે સીબીઆઇ સત્યની બ્રાન્ડ છે, તેના અધિકારીઓએ ભ્રષ્ટાચારની સામે કોઇ પણ પ્રકારનો સંકોચ રાખ્યા વગર કાર્યવાહી કરવી જોઇએ. વડાપ્રધાને શિલોંગ, પુણે અને નાગપુરમાં સીબીઆઇના નવા કાર્યાલયનું ઉદ્ધાટન પણ કર્યું હતું. જે દરમિયાન તેમણે કહ્યું હતું કે દેશમાં સીબીઆઇ દ્વારા તપાસ થાય તે માટે લોકો આંદોલન કરે છે. ન્યાય અને ઇંસાફના બ્રાન્ડ તરીકે સીબીઆઇનું નામ દરેકના ધ્યાનમાં હોય છે.
સીબીઆઇના હીરક મહોત્સવની ઉજવણીને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાજર વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે મને ખ્યાલ છે કે જે લોકોની સામે સીબીઆઇ કાર્યવાહી કરી રહી છે તેઓ બહુ જ શક્તિશાળી છે. તેઓ વર્ષોથી સરકાર અને વ્યવસ્થાનો હિસ્સો રહ્યા છે. કેટલાક રાજ્યોમાં આજે પણ તેઓ સત્તામાં છે. જોકે સીબીઆઇએ પોતાના કામ પર ધ્યાન આપવાનું છે. કોઇ પણ ભ્રષ્ટાચારી વ્યક્તિને છોડવો ન જોઇએ.
વડાપ્રધાને કહ્યું હતું કે આજે દેશમાં ભ્રષ્ટાચાર સામે લડવા માટે રાજનીતિક ઇચ્છાશક્તિમાં કોઇ જ કમી નથી. એવામાં સીબીઆઇના અધિકારીઓએ કાર્યવાહી કરતા કોઇ પણ રીતે અટકવાની કે સંકોચ કરવાની જરૂર નથી.
મોદીએ કહ્યું હતું કે મુખ્ય રૂપે સીબીઆઇની જવાબદારી દેશને ભ્રષ્ટાચારથી મુક્ત કરવાની છે. ભ્રષ્ટાચાર કોઇ સામાન્ય અપરાધ નથી હોતો. તે ગરીબો પાસેથી તેમનો અધિકાર હક છીનવી લે છે. અને અન્ય અપરાધોને જન્મ આપે છે.
ભ્રષ્ટાચાર જ ન્યાયના રસ્તામાં સૌથી મોટો અવરોધ પણ હોય છે. ૧૦ વર્ષ પહેલા વધુમાં વધુ ભ્રષ્ટાચાર કરવાની હોડ ચાલી હતી. જે દરમિયાન મોટા મોટા કૌભાંડો થયા હતા. જોકે આરોપીઓ ડરેલા નહોતા કેમ કે સિસ્ટમે તેમને સાથ આપ્યો હતો. ૨૦૧૪ પછી અમે ભ્રષ્ટાચાર અને કાળા નાણા સામે મિશન તરીકે કામ કર્યું છે.