સિક્કિમના નાથુલામાં ભારે હિમપ્રપાત ઃ સાત લોકોનાં મોત

0
4

સવારે ૧૧.૩૦ વાગ્યે બરફનું તોફાન ત્રાટક્તા ૫ થી ૬ વાહનો ફસાયા હતાં

બપોરે ચાર વાગ્યા સુધીમાં ૨૩ લોકોને જીવતા બચાવી લેવાયા હતાં ઃ મૃતકોમાં એક મહિલા અને બાળક પણ સામેલ

સિક્કિમના નાથુલા વિસ્તારમાં મંગળવાર સવારે થયેલા ભૂષણ હિમપ્રપાતને કારણે સાત પર્યટકોના મોત થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. પર્યટકોના વાહનો બરફમાં ફસાઇ ગયા હતાં.

સેનાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ગેંગટોકથી નાથુલાથી જોડતા જવાહરલાલ નહેરૃ માર્ગ પર સવારે ૧૧.૩૦ વાગ્યે બરફનું તોફાન ત્રાટક્યુ હતું. જેના કારણે પાંચથી ૬ વાહનો બરફમાં ફસાઇ ગયા હતાં જેમાં અંદાજે ૩૦ યાત્રીઓ હતાં.

બપોરે ચાર વાગ્યા સુધીમાં સાત મૃતદેહો શોધી કાઢી બરફમાંથી બહાર લાવવામાં આવ્યા હતાં. ૨૩ લોકોને જીવિત બચાવી લેવામાં આવ્યા છે. મૃતકોમાં એક મહિલા અને એક બાળકનો પણ સમાવેશ થાય છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર સેના, સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને પોલીસની સંયુક્ત ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

દુર્ઘટનામાં ઘાયલ લોકોને ઘટના સ્થળથી ૫૫ કિલોમીટર દૂર આવેલા ગેંગટોકની  વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહી છે. તેમણે સાત લોકોનાં મોત અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું. સિક્કિમના મુખ્યપ્રધાન પ્રેમ સિંહ તમાંગે પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું.

નાથુલા સમુદ્રના સ્તરથી ૧૪,૪૫૦ ફૂટ ઉપર આવેલુ છે. ભારત અને ચીન વચ્ચેના વેપાર માટે આ વિસ્તાર મહત્ત્વપૂર્ણ છે. પર્યટકોમાં પણ આ વિસ્તાર ખૂબ જ લોકપ્રિય છે. ખરાબ હવામાનને કારણે પ્રવાસીઓને માઇલસ્ટોન ૧૩થી ઉપર જવા દવાની પરવાનગી નથી. જો કે પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર પર્યટકો જીદ કરતા ડ્રાઇવરો માઇલસ્ટોન ૧૩થી ઉપર લઇ ગયા હતાં.

આ અગાઉ બરફવર્ષાને કારણે રોડ પર ૮૦ વાહનો ફસાયા હતાં જેમાં ૩૫૦ લોકો સવાર હતાં. જો કે આ તમામ લોકોને બચાવીને ગેંગટોક પરત લાવવામાં આવ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે સિક્કિમનો પૂર્વ સિક્કિમ જીલ્લો કે જ્યાં આ ઘટના બની છે તે ભૂસ્ખલન માટે દેશમાં નવમા ક્રમનું સૌથી સંવેદનશીલ જિલ્લો છે. સિક્કિમમાં ૨૦૧૧ થી ૨૦૧૭ દરમિયાન ૧૫૬૧ ભૂસ્ખલન થયા હતાં.