– કોલકાતાને જીતવા છેલ્લા પાંચ બોલમાં 28 રનની જરૂર : રિન્કુએ બાજી પલ્ટી
– રાશિદની હેટ્રિક છતાં અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ પહેલીવાર હાર્યું : 205ના ટાર્ગેટ સામે કોલકાતાના 207/7 : રિન્કુના 21 બોલમાં 48* રન
– હાઈસ્કોરિંગ મેચમાં કુલ 22 છગ્ગા અને 33 સિક્સર
અમદાવાદ : રિન્કુ સિંઘે અત્યંત તનાવભરી સ્થિતિમાં છેલ્લા પાંચ બોલમાં શ્વાસ અધ્ધર કરી દેતા પાંચ છગ્ગા ફટકારીને અમદાવાદમાં રમાયેલી આઇપીએલ ટી-૨૦માં ગુજરાત ટાઈટન્સ સામે કોલકાતા નાઈટ રાઈડર્સને અણધાર્યો અને અકલ્પનીય વિજય અપાવ્યો હતો. કોલકાતાને છેલ્લા પાંચ બોલમાં ૨૮ રનની જરુર હતી ને મેચમાં ગુજરાતની જીત નક્કી લાગતી હતી, ત્યારે યુવા બોલર યશ દયાલની બોલિંગમાં રિન્કુએ ઝંઝાવાત સર્જ્યો હતો. તેણે કુલ ૨૧ બોલમાં ૬ છગ્ગા ને ૧ ચોગ્ગા સાથે ૨૨૮.૫૭ના સ્ટ્રાઈક રેટ સાથે ૪૮ રન ફટકારતા બાજી પલ્ટી નાંખી ને કોલકાતા ૩ વિકેટથી જીત્યું હતુ.
૨૦૫ના ટાર્ગેટને કોલકાતાએ રિન્કુની છેલ્લા બોલની સિક્સને સહારે પાર પાડતા ૭ વિકેટે ૨૦૭નો સ્કોર કર્યો હતો. ઈજાગ્રસ્ત હાર્દિકની ગેરહાજરીમાં કેપ્ટન્સી કરી રહેલા રાશિદની હેટ્રિક પણ ગુજરાતને ઉગારી શકી ન હતી. ગુજરાત ટાઈટન્સ અમદાવાદમાં આ ત્રીજી મેચ રમતાં પહેલીવાર હાર્યું હતુ.
અમદાવાદમાં ગુજરાત-કોલકાતાની મેચ ચાહકો માટે સુપર સન્ડે સમાન સાબિત થઈ હતી અને મેચમાં કુલ ૨૨ છગ્ગા અને ૩૩ ચોગ્ગા નોંધાયા હતા.મેચમાં કુલ મળીને ૪૧૧ રન થયા હતા. જેમાંથી ૨૬૪ તો બાઉન્ડ્રીની મદદથી નોંધાયા હતા. કોલકાતા તરફથી વેંકટેશ ઐયરે ૪૦ બોલમાં ૮ ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે ૮૩ તેમજ કેપ્ટન નિતિશ રાણાએ ૨૯ બોલમાં ૪૫ રન નોંધાવ્યા હતા. રાશિદે ૧૭મી ઓવરમાં પહેલા બોલેે રસેલ (૧), બીજા બોલે નારાયણ (૦) અને ત્રીજા બોલે શાર્દૂલ (૦)ની વિકેટ ઝડપતાં હેટ્રિક પૂર્ણ કરી હતી. તેણે ૩૭ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.
અગાઉ ટોસ જીતીને બેટિંગ કરતાં ગુજરાતે વિજય શંકરના પાંચ છગ્ગા અને ચાર ચોગ્ગા સાથેના ૨૪ બોલમાં અણનમ ૬૩ રન તેમજ સાઈ સુદર્શનના ૩૮ બોલમાં ૫૩ તેમજ ગીલના ૩૯ રનની મદદથી ચાર વિકેટે ૨૦૪નો સ્કોર ખડક્યો હતો. સુનિલ નારાયણે ૩૩ રનમાં ૩ વિકેટ ઝડપી હતી.
6,6,6,6,6 આખરી ઓવરનો રોમાંચ
કોલકાતાને જીતવા આખરી ઓવરમાં ૨૯ રનની જરુર
બેટ્સમેન : ઉમેશ યાદવ (૪ રન, સ્ટ્રાઈકર), રિન્કુ સિંઘ (૧૮ રન, નોનસ્ટ્રાઈકર), બોલર : યશ દયાલ
૧૯.૧ ઉમેશનો૧ રન
૧૯.૨ આઉટ સાઈડ ઓફ સ્ટમ્પ ફૂલટોસ બોલ પર રિન્કુ સિંઘની વાઈડ લોંગ ઓફ પર સિક્સર
૧૯.૩ લેગસાઇડમાં લોઅર ફૂલટોસ પર રિન્કુની ડીપ બેકવર્ડ સ્ક્વેર લેગ પરથી સિક્સર
૧૯.૪ આઉટ સાઈડ ઓફ સ્ટમ્પ ફૂલટોસ પર રિન્કુએ લોંગ ઓફ પરથી સિક્સર ફટકારી
૧૯.૫ અડધી પીચ પર બાઉન્સ થયેલા બોલ પર રિન્કુની લોંગ ઓન પરથી સિક્સર
જીતવા હવે ૧ બોલમાં ૪ રનની જરુર
૧૯.૬ શોર્ટ બોલ, આઉટ સાઈડ ઓફ સ્ટમ્પ. લોંગ ઓન પરથી રિન્કુની વિજયી સિક્સર.