– વર્તમાન નાણાં વર્ષમાં વૈશ્વિક મંદી, વ્યાપક અનિશ્ચિતતા જેવા પડકારો
વર્તમાન નાણાં વર્ષમાં દેશનો આર્થિક વિકાસ દર ૬.૫૦ ટકા રહેવાની રિઝર્વ બેન્કની ધારણાં વધુ પડતી આશાવાદી છે. આરબીઆઈ ઓકટોબરથી રેપો રેટ ઘટાડવાનું શરૂ કરશે એમ બ્રોકરેજ પેઢી નોમુરા દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું હતું. ભાવ વધારા સંદર્ભમાં રિઝર્વ બેન્કની ધારણાં સાથે પોતે સહમત હોવાનું જણાવી નોમુરાએ ઊંચા ફુગાવાની સ્થિતિ હવે પૂરી થયાનું ઉમેર્યું હતું.
જો કે વર્તમાન નાણાં વર્ષ એટલે કે ૨૦૨૩-૨૪માં દેશનો આર્થિક વિકાસ દર ૬.૫૦ ટકા રહેવા રિઝર્વ બેન્કની ધારણાં વધુ પડતી છે. જીડીપી ૫.૩૦ ટકા રહેવા તેણે ધારણાં મૂકી છે.
વર્તમાન નાણાં વર્ષ માટે દેશના આર્થિક વિકાસ દરના અંદાજમાં અનેક એજન્સીઓએ ઘટાડા કર્યા છે. કેટલી ક પેઢીઓએ તો જીડીપી અંદાજ ઘટાડી ૬ ટકાની નીચે મૂકયા છે.
વૈશ્વિક મંદી, વ્યાપક અનિશ્ચિતતા તથા નીતિવિષયક સખતાઈને જોતા પોતે જીડીપી અંદાજ નીચો મૂકી રહી હોવાનું નોમુરાએ રિપોર્ટમાં નોંધ્યું છે. ક્રુડ તેલના સરેરાશ ભાવ જે અગાઉ પ્રતિ બેરલ ૯૦ ડોલર રહેવાની અપેક્ષા હતી તે હવે ઘટી ૮૫ ડોલર રહેવાની શકયતા હોવાનું જણાવી રિઝર્વ બેન્કે વર્તમાન નાણાં વર્ષ માટે તેના જીડીપી અંદાજમાં સાધારણ વધારો કર્યો છે.
જુનમાં પણ રિઝર્વ બેન્ક વ્યાજ દર જાળવી રાખશે તેવી નોમુરાએ ધારણાં મૂકી છે. છેલ્લા ૧૧ મહિનામાં વ્યાજ દરમાં કરાયેલા ૨.૫૦ ટકાના વધારાની અર્થતંત્ર પર અસરનો અંદાજ મેળવવામાં હજુ સમય લાગી શકે છે.