દુકાળ પડવાની ૨૦ ટકા અને સામાન્યથી ઓછો વરસાદ પડવાની ૪૦ ટકા શક્યતા ઃ સામાન્ય વરસાદ પડવાની ૨૫ ટકા સંભાવના
ચાલુ વર્ષે ચોમાસુ નબળું રહેવાથી ચાર મહિનામાં સામાન્ય કરતા ૮૬૮ મિમી વરસાદ ઓછો પડવાનો અંદાજ
વખતે દેશમાં સરેરાશ ઓછો વરસાદ પડશે તેમ હવામાન અંગે ભવિષ્યવાણી કરનારી પ્રાઇવેટ કંપની સ્કાયમેટ વેધર કંપનીએ જણાવ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર આ વખતે જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે સામાન્યથી ઓછો વરસાદ પડશે.
એજન્સીના અંદાજ મુજબ આ વખતે ચોમાસુ નબળું રહેવાથી ચાર મહિનામાં સામાન્ય કરતા ૮૬૮ મિમી ઓછો વરસાદ પડશે. સ્કાયમેટના જણાવ્યા અનુસાર સામાન્યથી ઓછો વરસાદ પડવાની ૪૦ ટકા શક્યતા છે. જ્યારે ૧૫ ટકા શક્યતા એવી છે કે સામાન્યથી વધારે વરસાદ પડશે.૨૫ ટકા શક્યતા એવી છે કે સામાન્ય વરસાદ થશે. વધારે વરસાદ પડવાની શક્યતા શૂન્ય ટકા છે.
પ્રાઇવેટ હવામાન એજન્સીના ડાયરેક્ટર જતિન સિંહના જણાવ્યા અનુસાર છેલ્લા ચાર વર્ષથી ચોમાસાની સીઝનમાં સામાન્ય વરસાદ પડી રહ્યો હતો.જેનું કારણ લા નીના હતું જે હવે સમાપ્ત થઇ રહ્યું છે. બીજી તરફ હવે અલ નીનો વધી રહ્યું છે. અલ નીનો પરત ફરતા ચોમાસુ નબળું પડી શકે છે. આ કારણે દુષ્કાળ પડવાની શક્યતા છે અને ઓછા વરસાદને કારણે ખેડૂતોને પણ નુકસાન થવાની શક્યતા છે.
પ્રશાંત મહાસાગરમાં જ્યારે સમુદ્રની ઉપરની સપાટી ગરમ હોય છે ત્યારે અલ નીનોની અસર જોવા મળે છે. જેની અસર દક્ષિણ પશ્ચિમ ચોમાસા પર પડે છે. એક અંદાજ મુજબ મે થી જુલાઇની વચ્ચે અલ નીનોની અસર ફરીથી જોવા મળશે. જેના કારણે દુષ્કાળ પડવાની શક્યતા વધી ગઇ છે.
જો કે સ્કાયમેટે જણાવ્યું છે કે દુષ્કાળ પડવાની શક્યતા ફક્ત ૨૦ ટકા છે. ૧૯૯૭માં અલ નીનો શક્તિશાળી હોવા છતાં સામાન્ય વરસાદ પડયો હતો. તેમણે જણાવ્યું હતું કે અલ નીનો સિવાય અન્ય પણ કેટલાક કારણોસર ચોમાસુ નબળું રહેવાની શક્યતા છે. ઇન્ડિયન ઓશન ડાઇપોલ પણ ચોમાસાને નબળું પાડી શકે છે.