2022માં વિશ્વમાં સંરક્ષણ ક્ષેત્રે સૌથી વધુ ખર્ચ મામલે ભારત ચોથા ક્રમે રહ્યું, જાણો કયા દેશે કેટલો ખર્ચ કર્યો

0
12

2022માં ભારતે સંરક્ષણ ક્ષેત્રે કુલ 81.4 અબજ ડૉલરનો ખર્ચ કર્યો જે વર્ષ 2021ની સરખામણીમાં 6% અને વર્ષ 2013ની સરખામણીમાં 47% વધુ

2022 દરમિયાન વિશ્વભરમાં સંરક્ષણ ક્ષેત્રે કરાયેલા ખર્ચમાં એકલા અમેરિકાનો હિસ્સો 39%

ભારત ગયા વર્ષે સંરક્ષણ ક્ષેત્રે સૌથી વધુ ખર્ચ કરનાર વિશ્વનો ચોથો દેશ રહ્યો. ભારતે વર્ષ 2021ની સરખામણીમાં વર્ષ 2022માં 6% વધુ રકમ ખર્ચી હતી. આ માહિતી સ્વીડિશ થિંક ટેન્ક ‘સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ’ (SIPRI) એ પોતાના રિપોર્ટમાં આપી છે.

મિલિટરી એક્સપેન્ડિચર રિપોર્ટમાં શું માહિતી સામે આવી 

મિલિટરી એક્સપેન્ડિચર રિપોર્ટ અનુસાર ભારતે કુલ સંરક્ષણ બજેટનો 23% હિસ્સો ઈક્વિપમેન્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર ખર્ચ કર્યો છે, જેમાં ચીન સાથેની સરહદ પરનો ખર્ચ પણ સામેલ જ્યાં પડોશી દેશ સાથે તણાવ ચાલી રહ્યો છે તે. રિપોર્ટ અનુસાર ભારતના સંરક્ષણ બજેટનો મોટાભાગનો હિસ્સો પગાર અને પેન્શન પાછળ ખર્ચવામાં આવ્યો હતો.

વર્ષ 2022માં ભારતે સંરક્ષણ ક્ષેત્રે કુલ 81.4 અબજ ડૉલરનો ખર્ચ કર્યો

રિપોર્ટ અનુસાર વર્ષ 2022માં ભારતે સંરક્ષણ ક્ષેત્રે કુલ 81.4 અબજ ડૉલરનો ખર્ચ કર્યો જે વર્ષ 2021ની સરખામણીમાં 6% અને વર્ષ 2013ની સરખામણીમાં 47% વધુ છે. સોમવારે જારી કરાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે “ભારતના સંરક્ષણ બજેટમાં વધારો ચીન અને પાકિસ્તાન સાથેની સરહદ પર તણાવને પ્રતિબિંબિત કરે છે.”  વર્ષ 2022 દરમિયાન વિશ્વભરમાં સંરક્ષણ ક્ષેત્રે કરાયેલા ખર્ચમાં એકલા અમેરિકાનો હિસ્સો 39% છે. તેના પછી 13% સાથે ચીનનું સ્થાન આવે છે. રશિયા, ભારત અને સાઉદી અરેબિયા અનુક્રમે 3.9%, 3.6% અને 3.3% સંરક્ષણ ખર્ચ સાથે ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને છે.

યુરોપમાં ઓછામાં ઓછા 30 વર્ષમાં સૈન્ય ખર્ચમાં સૌથી ઝડપી વધારો થયો 

અહેવાલ અનુસાર વર્ષ 2022માં વિશ્વના સંરક્ષણ ખર્ચમાં ટોચના પાંચ દેશોનો હિસ્સો 63% રહ્યો છે. SIPRIના જણાવ્યા અનુસાર, વર્ષ 2022માં વિશ્વના સૈન્ય ખર્ચમાં સૌથી મોટા 15 ખર્ચ કરનારા દેશોનો હિસ્સો 82 ટકા છે અને આ ખર્ચ 1,842 અબજ ડૉલર થાય છે. રિપોર્ટ અનુસાર વર્ષ 2022માં વિશ્વ સૈન્ય ખર્ચમાં 3.7% ના વધારા સાથે તે વધીને 2,240 અબજ ડોલર થઈ ગયો છે. યુરોપમાં ઓછામાં ઓછા 30 વર્ષમાં સૈન્ય ખર્ચમાં સૌથી ઝડપી વધારો થયો છે.  ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં 76.6  અબજ ડોલરના સૈન્ય ખર્ચ સાથે ભારત સંરક્ષણ ક્ષેત્ર પર ખર્ચ કરવામાં ત્રીજો દેશ હતો, જ્યારે વર્ષ 2016માં તે 55.9 અબજ ડોલર સાથે પાંચમો સૌથી વધુ સૈન્ય ખર્ચ કરનાર દેશ હતો. .