સત્યપાલ મલિકના દાવા બાદ સીબીઆઈએ નોંધી હતી ફરિયાદ, કર્યા હતા મોટા દાવા
સીબીઆઈએ જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના એક સહયોગીના ઘર પર દરોડા પાડ્યા છે. સીબીઆઈ કથિત વીમા કૌભાંડમાં સત્યપાલ મલિકના સહાયકના ઘર પર સર્ચ કરી રહી છે. સીબીઆઈએ દિલ્હી અને જમ્મુ-કાશ્મીરમાં આઠ સ્થળોએ ઓપરેશન હાથ ધર્યું હતું . અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે.
અગાઉ સત્યપાલ મલિકની કરી હતી પૂછપરછ
આ મામલે સીબીઆઈએ અગાઉ સત્યપાલ મલિકની પૂછપરછ કરી હતી. તેમના પર આરોપ છે કે જ્યારે તેઓ જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ હતા ત્યારે તેમને બે ફાઈલો ક્લિયર કરવા માટે 300 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી. સત્યપાલ મલિકે દાવો કર્યો હતો કે જ્યારે તેઓ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ હતા ત્યારે તેમને 300 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી. આ ઓફર ‘અંબાણી’ અને ‘આરએસએસ સાથે સંકળાયેલ વ્યક્તિ’ની બે ફાઈલો ક્લિયર કરવાના બદલામાં કરવાની હતી, પરંતુ તેમણે આ સોદો ફગાવી દીધો હતો.
શું છે સમગ્ર કેસ?
17 ઓક્ટોબર, 2021ના રોજ રાજસ્થાનના ઝુંઝુનુમાં એક કાર્યક્રમમાં સત્યપાલ મલિકે કહ્યું હતું કે, ‘કાશ્મીર ગયા પછી મારી પાસે બે ફાઇલો આવી. એક અંબાણીની ફાઈલ હતી અને બીજી આરએસએસ સંલગ્ન વ્યક્તિની હતી જે અગાઉની મહેબૂબા મુફ્તી-ભાજપ ગઠબંધન સરકારમાં મંત્રી હતા. તેઓ પીએમ મોદીના પણ ખૂબ નજીક હતા. મને સચિવો દ્વારા જાણ કરવામાં આવી હતી કે કૌભાંડ થયું છે અને પછી મેં બદલામાં બંને સોદા રદ કર્યા. સચિવોએ મને કહ્યું કે બંને ફાઈલો માટે 150-150 કરોડ રૂપિયા આપવામાં આવશે પરંતુ, મેં તેમને કહ્યું કે હું પાંચ કુર્તા-પાયજામા લઈને આવ્યો છું અને તે જ લઈને જઈશ.
મલિકના આરોપો બાદ સીબીઆઈએ બે કેસ નોંધ્યા છે
સીબીઆઈએ એપ્રિલ 2022માં અનિલ અંબાણીની રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ કંપની (RGIC) અને ચેનાબ વેલી પાવર પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ (CVPPPL)ના અધિકારીઓ સામે પણ કેસ નોંધ્યો હતો. આ સાથે 14 સ્થળોએ સર્ચ પણ કરવામાં આવ્યું હતું.