મોંઘવારી, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અને ખેડૂતોની દયનીય સ્થિતિ વચ્ચે ગુજરાતના ધારાસભ્યોના પગારમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના ધારાસભ્યોના પગાર 70,727થી વધારીને 1,16,316 અને મંત્રીઓના પગારમાં 45 હજારનો વધારો કરી 87માંથી 1 લાખ 32 હજાર કરવામાં આવ્યો છે. આમ પગારમાં 65 ટકાનો વધારો કરી પ્રજા પર વધુ એક બોજ ઝીંકવામાં આવ્યો છે. આજે વિધાનસભા ગૃહમાં પગાર-ભથ્થાં વધારો કરતું વિધેયક પસાર કરવામાં આવ્યું છે. તેમાં પણ આશ્ચર્યની વાત તો એ છે કે, પગાર વધારા મામલે કોંગ્રેસ અને બીજેપી સાથે રહ્યું છે. આ વિધેયક સામે કોંગ્રેસે હરફ ઉચ્ચાર્યા વિના જ ટેકો આપી દીધો હતો. આ વધારાનો અમલ 22 ડિસેમ્બર 2017થી કરવામાં આવશે. જેને પગલે તમામને તફાવતની રકમ પણ મળશે.7 હજાર ટેલિફોન ભથ્થું અને અંગત મદદનીશ ભથ્થું 20 હજાર થયું
સંસદીય બાબતોના રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ સુધારા વિધેયકને રજૂ કરતા જણાવ્યું કે, હાલમાં ધારાસભ્યોને રાજ્ય સરકારના ઉપ સચિવને મળવાપાત્ર લધુત્તમ મૂળ પગારને બદલે નાયબ સચિવની કક્ષામાં મળવાપાત્ર લધુત્તમ મૂળ પગાર મળવાપાત્ર થશે. આ સુધારા અન્વયે ધારાસભ્યોને મળતા એકત્રિત ભથ્થા, ટેલિફોન ભથ્થુ, અંગત મદદનીશ ભથ્થું, ટપાલ અને લેખન સામગ્રી અને મૂળ પગાર રૂા. 56,100 સહિત પ્રતિમાસ રૂા. 70,727 મળતા હતા તેને બદલે નવી જોગવાઇ મુજબ મૂળ પગાર રૂા. 56,100ના સ્થાને રૂા.78,8૦૦,મોંઘવારી ભથ્થું (હાલ એકત્રિત ભથ્થું) રૂા. 4,627ના બદલે હવે મોંઘવારી ભથ્થું રૂા. 5,526, ટેલિફોન ભથ્થું રૂા. 4,૦૦૦ના બદલે રૂા. 7,૦૦૦, અંગત મદદનીશ ભથ્થું રૂા.3,૦૦૦ના સ્થાને રૂા. 2૦,૦૦૦ તથા ટપાલ અને સામગ્રી ભથ્થું રૂા. 3,૦૦૦ના બદલે રૂા. 5,૦૦૦ મળીને પ્રતિમાસ રૂા. 7૦,727ના બદલે હવે રૂા. 1,16,316 કરવાની જોગવાઇ સૂચવવામાં આવી છે. આમ ધારાસભ્યોને પ્રતિમાસ રૂા.45,589 જેટલી વધુ રકમ મળવાપાત્ર થશે.
ધારાસભ્ય કરતા અધ્યક્ષ-મંત્રીઓને મળતા મૂળ પગાર કરતા 25 ટકા વધુ પગાર
જાડેજાએ વધુમાં જણાવ્યું કે, હાલમાં વિધાનસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, મંત્રીઓ અને વિરોધપક્ષના નેતા સહિતના પદાધિકારીઓને ધારાસભ્યોને મળતા મૂળ પગાર કરતા 25 ટકા વધુ મૂળ પગાર મળે છે. તેમાં સૂચિત જોગવાઇ અનુસાર મૂળ પગાર રૂા. 7૦,125ના સ્થાને રૂા. 98,5૦૦, એકત્રિત ભથ્થું રૂા. 7,૦૦૦ના બદલે રૂા. 2૦,૦૦૦, વાહન ભથ્થું રૂા. 4,૦૦૦ના બદલે રૂા. 7,૦૦૦ મોંઘવારી ભથ્થું રૂા. 5,679ના સ્થાને રૂા. 6,895 ચૂકવવામાં આવશે. સભ્ય સિવાયના પદાધિકારીઓને પ્રતિમાસ રૂા.86,8૦4ના બદલે નવી જોગવાઇ મુજબ પ્રતિમાસ રૂા. 1,32,395 મળવાપાત્ર થશે. આમ પદાધિકારીઓને પ્રતિમાસ રૂા. 45, 591 જેટલી વધુ રકમ મળવાપાત્ર થશે. ધારાસભ્યોને 14મી વિધાનસભાની પ્રથમ બેઠકની તારીખથી અને પદાધિકારીઓને સૂચિત પગાર ભથ્થા વધારાનો લાભ હાલની વિધાનસભાની રચના થયા તારીખ એટલે કે તા. 22-12-2017થી મળવાપાત્ર થશે.
નેતા વિપક્ષનો ટપાલ ખર્ચ 1 હજારથી વધારી 10 હજાર
ઘારાસભ્યોનું દૈનિક ભથ્થું 200 રૂપિયાથી વધારી 1000 કરવામાં આવ્યું છે. જ્યારે નેતા વિપક્ષનો માસિક ટપાલ ખર્ચ રૂપિયા 1000થી 10 હજાર રૂપિયા કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, વર્ષ 2005 બાદ પહેલીવાર વધારો કરવામાં આવ્યો છે.
રાતોરાત કર્યો વધારો
ધારાસભ્યોના પગાર વધારાનો આ નિર્ણય રાતોરાત લેવામાં આવ્યો છે.ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રના બીજા અને અંતિમ દિવસે કામકાજ સલાહકાર સમિતિ દ્વારા નક્કી કરાયેલા આજના દિવસની કામગીરીની યાદીમાં ધારાસભ્યોના પગાર વધારા અંગેનો ઉલ્લેખ ન હતો,પરંતુ અચાનક જ વિધાનસભામાં પગાર વધારાનું વિધેયક સર્વાનુમતે પસાર કરી દેવામાં આવ્યું છે.
કયા રાજ્યમાં કેટલો પગાર
ઉત્તરાખંડ – 2 લાખ 91 હજાર
ઝારખંડ – 2 લાખ 25 હજાર
મહારાષ્ટ્ર – 2 લાખ 13 હજાર
હરિયાણા – 1 લાખ 65 હજાર
દિલ્હી – 1 લાખ 34 હજાર
રાજસ્થાન- 1 લાખ 30 હજાર
16 કરોડ 52 લાખ 75 હજારનો વધારાનો વાર્ષિક ખર્ચ
આ વિધેયકની જોગવાઈઓ અધિનિયમિત કરવામાં આવે અને અમલમાં લાવવામાં આવે તો ધારાસભ્યો અને બીજા ઉચ્ચ અધિકારીઓને ચૂકવવા પાત્ર પગાર અને ભથ્થાંની સુધારેલી રકમને કારણે નાણાકીય વર્ષ 2018-2019 માટે રાજ્યના એકત્રિત ફંડમાંથી આશરે 16 કરોડ 52 લાખ 75 હજારનો વધારાનો વાર્ષિક ખર્ચ થશે. જેમાંથી રૂપિયા 10 કરોડ 27 લાખ 5 હજાર આવર્તક અને 6 કરોડ 50 લાખ અનાવર્તક પ્રકારનો ખર્ચ રહેશે