– ‘પઠાણ’ બાદ ‘આદિપુરૂષ’નો પણ વિવાદ સર્જી વેપાર
– ચાહકોને હવે શંકા જાય છે કે જાણી જોઈને ફિલ્મ મેકર સંસ્કૃતિના લીરા ઉડાવી વિવાદ જગાવે તેવી સામગ્રી સામેલ કરે છે- ફિલ્મને સુપરહીટ બનાવવાનો ફંડા : વિવાદાસ્પદ અગાઉની તમામ ફિલ્મો હીટ નીવડી છે
હિન્દી અને દક્ષિણ ભારતના ફિલ્મ ઉદ્યોગને ફિલ્મને બોક્સ ઓફિસ પર હીટ બનાવવા માટેની જાણે ચાવી કે ફંડા મળી ગયો હોય તેમ લાગે છે. ફિલ્મના નિર્માતા-નિર્દેશક જાણી જોઈને ફિલ્મમાં કોઈને કોઈ વિવાદ જન્મ લે અને તે પછી દેશવ્યાપી તેનો વિરોધ, રોષ અને બહિષ્કારની ઉશ્કેરણી સર્જતી હવા જામે તેવા દ્રશ્યો અને સંવાદ મુકે છે કે પછી ઐતિહાસિક પાત્રો જોડે ચેડા જાણી જોઈને કરતા હોય તેમ લાગે છે.
‘આદિપુરૂષ’માં હિન્દુ ધર્મની આસ્થાના શિરમોર અને હૃદયસમાન ભગવાન રામ, સીતા અને હનુમાનને જે રીતે રજુ કરાયા છે. તેમજ ફિલ્મમાં જે સંવાદો છે તેને લીધે દેશભરના નાગરિકોની લાગણી દુભાઈ છે આમ છતાં આ ફિલ્મે ત્રણ જ દિવસમાં રૂ. ૩૦૦ કરોડનો ધંધો કરી લીધો છે. પઠાણ ફિલ્મે રૂ. ૩૧૮ વીક એન્ડ સુધીમાં કમાણી કરી લીધી હતી.
હવે એવી પણ શંકા જાય છે કે ફિલ્મ રીલીઝ થાય તે પહેલા જ ટીઝર અને ટ્રેઈલરથી જ તેમાં વિવાદ જગાવતા દ્રશ્યો સામેલ કરવા અને તે પછી ફિલ્મની માર્કેટિંગ ટીમ જ ફિલ્મમાંથી શું વિવાદ જન્મ પામી શકે તે મીડિયા અને સોશિયલ મીડિયા સમક્ષ વહેતુ કરે છે. અને સંગઠનો તેમાં જોડાઈ જાય છે.
ફિલ્મના મેકિંગ વખતે જ નક્કી થતું હોઈ શકે કે આપણે આમ કરીશું અને પછી વિાદ પણ આપણે જ ઉભો કરીશું અને દેશમાં તે સહજ રીતે ફરી વળશે.
ફિલ્મ ટોક ઓફ ધ ટાઉન બનશે. સચિત્ર મફતની પબ્લીસીટી મળશે.
અડધા પ્રેક્ષકો તો એવા હશે ‘જેઓ જોઈએ તો ખરા આ વિવાદ જાગ્યો છે તે કેવો છે’ તે કુતુહલ સંતોષવા જ ફિલ્મ જોવા જાય છે.
જો કે આ બધામાં ફિલ્મના મેકર્સને અને તેનું કહ્યું માની માત્ર પૈસા રળી લેવા જેઓ ધર્મ, ધર્મગ્રંથો અને દેવ-દેવીઓનું અપમાન કરીને ધર્મ તેમજ સંસ્કૃતિ જોડે ચેડા કરે છે તેઓ પર ફિટકાર વરસાવવો જ રહ્યો. ભગવાનને કે માતા સ્વરૂપ દેવીને પણ વિકૃતિથી રજૂ કરે છે. ભગવાન પાસે ટપોરી સંવાદો બોલાવે છે. આશ્ચર્યની વાત એ છેકે આદિપુરૂષમાં ભગવાન રામ, સીતા હનુમાનજીનું આ હદે નિરૂપણ કરવા છતાં ભાજપની સરકાર નિયુક્ત સેન્સર બોર્ડ કેમ ચુપ રહ્યું, ફિલ્મ રીલીઝ થયા પછી કેન્દ્ર સરકારે કેમ દરમ્યાનગીરી ન કરી, હિન્દુ ધર્મના સંગઠનો અને પરિષદો કેમ મૌન છે ? નાગરિકો પણ ફિલ્મ જોવા કેમ જાય છે.
નજીકના ભૂતકાળમાં આ જ રીતે ઐતિહાસિક પાત્રો જોડે ફિલ્મ શરૂ થાય તે પહેલા ક્ષણિક ‘ડિસ્કલેઈમર’ પડદા પર બતાવીને ધુપ્પલ ચલાવાતું હોય છે.
ગોલીઓ કી રાસલીલા, જોધા અકબર, પદ્માવત, બાજીરાવ મસ્તાની, પી.કે., પઠાણ અને આદિપુરૂષ વિવાદ બાદ જ બોક્સ ઓફિસ પર ટંકશાળા પાડી શકી હતી.