નવી દિલ્હી : લોકસભા ચૂંટણી માટે બેંગલુરુમાં વિપક્ષો દ્વારા એકજૂથ થઈને બેઠક કરી રહ્યા છે ત્યારે આજે વડાપ્રધાન મોદીએ પોર્ટ બ્લેઅરમાં વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ દરમિયાન વિપક્ષી એક્તા પર આકરા પ્રહારો કર્યા હતા અને આ બેઠકને હાર્ડકોર ભ્રષ્ટાચાર બેઠક ગણાવી હતી. આ સિવાય મોદીએ કહ્યું કે જે લોકો જાતિવાદનું ઝેર ફેલાવે છે અને ભ્રષ્ટ્રાચાર કરે છે તેઓ બેંગલુરુમાં દુકાનો ખોલીને બેઠા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોર્ટ બ્લેર એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કર્યું હતું. આ દરમિયાન તેમણે પૂર્વ સરકારો પર આદિવાસી અને ટાપુ વિસ્તારોની અવગણના કરવાનો આરોપ લગાવ્યો. આ સિવાય તેમણે પહેલીવાર તેમણે દિલ્હીના શરાબ કૌભાંડ અને આમ આદમી પાર્ટી પર પણ ઈશારામાં પ્રહારો કર્યા હતા. વિપક્ષી એકતા પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે આ કુળ લોકો એકબીજાના ભ્રષ્ટાચારનો બચાવ કરે છે. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે જ્યારે દેશની કોઈપણ એજન્સી તેમના પર કાર્યવાહી કરે છે, ત્યારે ટેપ રેકોર્ડર શરૂ થાય છે કે કંઈ થયું નથી. બધું એક ષડયંત્ર છે અને અમને ફસાવામાં આવી રહ્યા છે. તેનો પરિવાર પહેલાથી જ દરેકને ક્લીનચીટ આપે છે. વડાપ્રધાને કહ્યું કે જ્યારે પણ ભ્રષ્ટાચાર થાય છે ત્યારે તેઓ ચૂપ થઈ જાય છે. આ સિવાય પીએમ મોદીએ કોઈનું નામ લીધા વિના રાહુલ ગાંધી, એમકે સ્ટાલિનથી લઈને લાલુ યાદવ સુધી બધાને નિશાન બનાવ્યા હતા. તેમણે કહ્યું કે કરોડોના કૌભાંડમાં જો કોઈ દોષિત સાબિત થાય છે તો તે ખાસ બની જાય છે. આ લોકોને ભ્રષ્ટાચાર પ્રત્યે ભારે લગાવ છે. તેથી જ 20 લાખ કરોડના કૌભાંડોની ગેરંટી આપનારા આ લોકો ખૂબ જ આત્મીયતાથી મળી રહ્યા છે. આ લોકો પરિવારવાદના કટ્ટર સમર્થક છે. આ ઉપરાંત બંગાળમાં પંચાયતની ચૂંટણી થઈ અને રક્તપાત થયો, પણ આ લોકો ચૂપ રહ્યા હતા. પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે હું ભાગ્યશાળી છું કે વર્ષ 2018માં મેં આંદામાનમાં એ જ જગ્યાએ ત્રિરંગો ફરકાવ્યો જ્યાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝે ધ્વજ ફરકાવ્યો હતો. અમારી સરકારે જ નેતાજી સુભાષના નામ પરથી રોસ આઇલેન્ડનું નામ આપ્યું છે. અમારી સરકાર છે જેણે હેવલોક અને નીલ ટાપુને સ્વરાજ અને શહીદ ટાપુ નામ આપ્યું છે.