તેમણે દેશમાં મુસ્લિમોના સાક્ષરતા અને શ્રમ સંબંધિત આંકડા પણ શેર કર્યા હતા
7 વર્ષ અને તેનાથી વધુ વયના મુસ્લિમોમાં સાક્ષરતાનો દર 77.7 ટકા
ભારતમાં 2023ના અંત સુધીમાં મુસ્લિમોની વસતી 20 કરોડની આજુબાજુ થઈ જશે. લોકસભામાં પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તરફથી આ માહિતી આપવામાં આવી હતી. આ દરમિયાન તેમણે દેશમાં મુસ્લિમોના સાક્ષરતા અને શ્રમ સંબંધિત આંકડા પણ શેર કર્યા હતા. ખાસ વાત એ છે કે તાજેતરના આંકડા જણાવે છે કે ભારત વસતીની દૃષ્ટિએ દુનિયામાં ટોચના ક્રમે પહોંચી ગયું છે.
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ માલા રૉય તરફથી લઘુમતી બાબતોના મંત્રાલય પાસે સંસદમાં ત્રણ સવાલોના જવાબ માગ્યા હતા. પ્રથમ- શું મુસ્લિમ વસતીને લઈને 30 જુલાઈ 2023 સુધીનો કોઈ ડેટા છે? બીજો – શું સરકાર પાસે પસમાંદા મુસ્લિમોની વસતીનો કોઈ ડેટા છે? ત્રીજો – 31 જુલાઈ 2023 સુધી પસમાંદા મુસ્લિમોની સામાજિક આર્થિક સ્થિતિ વિશે કોઈ માહિતી છે?
વસતી પર આપ્યો આ જવાબ
સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે 2011ની વસતી ગણતરી અનુસાર મુસ્લિમોની વસતી દેશમાં 17.22 કરોડ હતી જે દેશની વસતીની 14.2 ટકા થાય છે. ટેક્નિકલ ગ્રૂપ ઓન પોપ્યુલેશન પ્રોજેક્શનના જુલાઈ 2020ના રિપોર્ટ મુજબ 2023માં દેશની વસતી 138.82 કરોડ થવાનું અનુમાન વ્યક્ત કરાયું હતું. 2011ની વસતી ગણતરી એ જ પ્રમાણ 14.2 ટકા લાગુ કરતાં 2023માં મુસ્લિમ વસતી 19.75 કરોડ થવાનું અનુમાન વ્યક્ત કરાયું છે.
શિક્ષણ પર મળ્યો આ જવાબ
કેન્દ્રીયમંત્રીએ કહ્યું પીરિયોડિક લેબર ફોર્સ સરવે એટલે કે PLFS તરફથી 2021-2022માં કરાયેલા સરવેના હવાલાથી મુસ્લિમ વસતીની શિક્ષણની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે 7 વર્ષ અને તેનાથી વધુ વયના મુસ્લિમોમાં સાક્ષરતાનો દર 77.7 ટકા છે. જ્યારે દરેક વયનો લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ 35.1 ટકા પર છે. વર્લ્ડ બેન્ક અનુસાર લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટનો અર્થ એ 15 વર્ષ કે તેનાથી વધુ વયની એ વસતી છે જે આર્થિક રીતે સક્રિય છે અને કામ કરે છે.