ગઈકાલે આરોપી અને તેના પિતાની અકસ્માત સ્થળે જાહેરમાં ઉઠકબેઠક કરાવી હતી
FSLના રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે કારની સ્પીડ 160ની હતી
ગઈકાલે ઈસ્કોન બ્રિજ પર થયેલા ભયાનક અકસ્માતમાં આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત કારમાં સવાર તમામને આજે મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ મામલે પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવશે. ગઈકાલે મુખ્ય આરોપી તથ્ય પટેલ અને તેના પિતા સહિત 5 લોકોની પોલીસે અટકાયત કરી હતી અને પોલીસે માનવ વધનો ગુનો દાખલ કર્યો હતો.
ગઈકાલે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું
આ કેસમાં ગઈકાલે પોલીસે બાપ દિકરાને સાથે રાખીને જ્યાં અકસ્માત થયો હતો ત્યાં જ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જે જગ્યાએ કાર અથડાવીને લોહીના ખાબોચિયાં ભર્યા હતા ત્યાં જ બાપ-દીકરાએ કાન પકડીને જાહેરમાં ઉઠકબેઠક કરીને માફી માંગી હતી. આ કેસને મોસ્ટ સીવીયર અને મોસ્ટ અર્જન્ટ કેસ તરીકે ટ્રીટ કરીને એક જ સપ્તાહમાં ચાર્જશીટ રજૂ કરવા તેમજ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાની કાર્યવાહી કરવામાં આવશે. આ માટે પબ્લિક પ્રોસિક્યુટરની નિમણુંક કરવામાં આવશે. આ ઉપરાંત FSLના રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે કારની સ્પીડ 160ની હતી.