આ અચાનક ઘટનાથી નાઈજરની આસપાસના આફ્રિકન દેશોમાં તણાવ પેદા થયો
નાઇજર દેશની સરહદો બંધ કરી દેવામાં આવી છે અને દેશવ્યાપી કર્ફ્યુ જાહેર
પશ્ચિમ આફ્રિકાના દેશ નાઈજરમાં બળવો થયો છે અને ત્યાંની સેનાએ દાવો કર્યો છે કે તેઓએ રાષ્ટ્રપતિ મોહમ્મદ બેઝોમની સરકારને ઉથલાવી દીધી છે. આ અચાનક ઘટનાથી નાઈજરની આસપાસના આફ્રિકન દેશોમાં તણાવ પેદા થયો છે. રાષ્ટ્રીય ટેલિવિઝન પર પ્રસારિત એક નિવેદનમાં કર્નલ-મેજર અમાદૌ અબ્દ્રમાને કહ્યું હતું કે સંરક્ષણ અને સુરક્ષા દળોએ એ શાસનને ખત્મ કરવાનો નિર્ણય લીધો હતો જેનાથી તમે પરિચિત છો. આ સુરક્ષામાં સતત થઇ રહેલો ઘટાડો, ખરાબ સામાજિક અને આર્થિક વ્યવસ્થાનું પરિણામ છે. નાઇજર દેશની સરહદો બંધ કરી દેવામાં આવી છે અને દેશવ્યાપી કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ દેશની તમામ સંસ્થાઓ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. નાઈજરના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ગાર્ડના સભ્યોએ તેમની વિરુદ્ધ બળવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ચેતવણી આપી હતી કે જો રાષ્ટ્રપતિ પીછેહઠ નહીં કરે તો સેના તેમના પર હુમલો કરવા તૈયાર છે. રાષ્ટ્રપતિના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિના રક્ષક પ્રદર્શનમાં સામેલ હતા. તેણે અન્ય સુરક્ષા દળોનું સમર્થન મેળવવાનો પણ પ્રયાસ કર્યો હતો. સ્થાનિક મીડિયા એજન્સી અનુસાર વિરોધ કરી રહેલા ગાર્ડ્સ રાષ્ટ્રપતિ બઝોમને રાજધાની નિયામીમાં રાષ્ટ્રપતિ મહેલની અંદર રાખવા માંગતા હતા. ગઈકાલે સવારે રાષ્ટ્રપતિ મહેલ અને તેની બાજુના મંત્રાલયોને સેનાના વાહનો દ્વારા રોકી દેવામાં આવ્યા હતા. કર્મચારીઓ પણ તેમની ઓફિસે પહોંચી શક્યા ન હતા. જો કે બઝોમ સમર્થકોએ પ્રેસિડેન્શિયલ કમ્પાઉન્ડ તરફ આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પ્રેસિડેન્શિયલ ગાર્ડના સભ્યોએ ચેતવણી રુપે ગોળીબાર કરીને તેમને વિખેર્યા હતા.