– અમદાવાદ ચાંદી વધુ રૂ.૧૦૦૦ ગબડી:વૈશ્વિક કોપરમાં અઢી ટકાનો ઘટાડો
– વિશ્વ બજારમાં ક્રૂડતેલમાં પણ ઝડપી પીછેહટ: ભારતમાં સાઉદી ખાતેથી ક્રૂડની આયાતમાં નોંધપાત્ર ઘટાડો
સમાપ્ત થયેલા જુલાઈમાં ચીનનો વિદેશ વેપારમાં દેખાવ સાડાત્રણ વર્ષની નીચી સપાટીએ જોવા મળ્યો છે. ગયા મહિને ચીનની નિકાસમાં ફેબુ્રઆરી ૨૦૨૦ બાદ સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે, એમ ચીનના સત્તાવાળા દ્વારા જારી કરાયેલા આંકડા પરથી જણાય છે. આ અહેવાલ પાછળ આજે ચાંદી, કોપર અને ક્રૂડના ભાવમાં તીવ્ર કડાકો બોલી ગયો હતો. અમદાવાદ બજારમાં ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૧૦૦૦ તૂટયા હતા.
આયાતમાં ૧૨.૪૦ ટકા ઘટી ૨૦૧.૨૦ અબજ ડોલર રહી હતી. નિકાસ ઘટી ૨૮૧.૭૬ અબજ ડોલર રહી હતી.
ઘરઆંગણે મંદી ઉપરાંત વૈશ્વિક મંદ માગનો ચીનનું અર્થતંત્ર સામનો કરી રહ્યું છે. જુલાઈમાં ચીનના માલસામાનની નિકાસ વાર્ષિક ધોરણે ૧૪.૫૦ ટકા નીચી રહી હતી. જુલાઈમાં સતત ત્રીજા મહિને ચીનની નિકાસમાં ઘટાડો જોવા મળ્યો છે.
આ અગાઉ ૨૦૨૦ના ફેબુ્રઆરીમાં ચીનની માલસામાનની નિકાસમાં ૧૭.૨૦ ટકા ઘટાડો જોવા મળ્યો હતો. કોવિડની મહામારીના પ્રારંભિક દિવસોમાં ચીનનું અર્થતંત્ર સાવજ ઠપ થઈ ગયું હતું.
વર્તમાન વર્ષના માર્ચ તથા એપ્રિલને બાદ કરતા ચીનની નિકાસ ઓકટોબર ૨૦૨૨થી સતત ઘટી રહી છે.
મુંબઈ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવમાં મંદી ઝડપી ગતિએ આગળ વધી હતી. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ગબડી ઔંશના ૨૩ ડોલરની સપાટીની અંદર ઉતરી જતાં ઘરઆંગણે ચાંદીના ભાવ પર દબાણ વધ્યું હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. ચીનના આયાત તથા નિકાસના આંકડાઓ નબળા ાવતાં તથા તેના પગલે વૈશ્વિક કોપરના ભાવ આજે અઢી ટકા તૂટી જતાંકોપર પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ વધુ ગબડતા જોવા મળ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ પણ વધુ ગબડતા જોવા મળ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ૨૩.૪૦ ડોલર વાળા આજે ૨૨.૮૫ ડોલર બોલાયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ પણ ઔંશના ૧૯૩૪થી ૧૯૩૫ ડોલરવાળા ૌ૧૯૨૩થી ૧૯૨૪ ડોલર રહ્યા હતા. અમદાવાદ બજારમાં ચાંદીના ભાવ ઘટી કિલોના રૂ.૭૨૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ ૯૯.૫૦ના રૂ.૬૧૦૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૧૨૦૦ના મથાળે શાંત હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૯૧૫ વાળા ૯૦૨ થઈ ૯૦૪થી ૯૦૫ ડોલર રહ્યા હતા.
જ્યારે પેલેડીયમના ભાવ ઔંશના ૧૨૫૬ વાળા ૧૨૦૫ થઈ ૧૨૦૮થી ૧૨૦૯ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલ ૪ મહિનાની ટોચ પરથી ઝડપી નીચે ઉતરતાં તેની અસર પણ વૈશ્વિક સોનાના ભાવ પર નેગેટીવ જોવા મળી હતી.
દરમિયાન, મુંબઈ બજારમાં આજે ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૭૧૮૪૮ વાળા રૂ.૭૧૦૫૧ બોલાયા હતા. જ્યારે મુંબઈ સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૫૯૧૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૫૯૩૩૮ રહ્યા હતા. મુંબઈ સોનાના ભાવ નીચા ખુલ્યા પછી ધીમા સુધારા સાથે બંધ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઝડપી ગબડતા જોવા મળ્યા હતા.
ન્યુયોર્ક ક્રૂડના ભાવ બેરલના ૮૨.૨૫ વાળા ૮૦.૦૭ થઈ ૮૦.૧૪ ડોલર જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવ ૮૫.૬૭ વાળા નીચામાં ૮૩.૪૬ થઈ ૮૩.૫૦ ડોલર રહ્યા હતા. ભારતમાં સાઉદી અરેબિયાથી ક્રૂડતેલની આયાત જુલાીમાં ૩૩થી ૩૪ ટકા ઘટયાના નિર્દેશો હતા. અમેરિકામાં બહાર પડનારા ક્રૂડતેલના સ્ટોક પર વિશ્વ બજારની નજર હતી.
ચીનના આર્થિક આંકડા નબળા આવતાં તેની અસર વૈશ્વિક ક્રૂડતેલની બજાર પર જોવા મળી હતી. અમેરિકામાં બહાર પડનારા ફુગાવાના આંકડા પર પણ ખેલાડીઓની નજર હવે રહી હતી.