નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે સાંસદો અને ધારાસભ્ય વિરુધ લાંબા સમયથી પેન્ડીંગ પડેલા કેસ પર ઝડપથી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે તમામ હાઈકોર્ટને આદેશ આપતા કહ્યું કે, મુખ્ય ન્યાયાધીશો પોતે સુઓ મોટો સંજ્ઞાન લઈ એક કેસ નોંધો તેમજ કોર્ટમાં ચાલતા કેસોનું નિરીક્ષણ કરે. સુપ્રીમ કોર્ટે વધુમાં આદેશ આપતા કહ્યું કે, હાઈકોર્ટના ચીફ જસ્ટિસે આ કેસોના નિકાલ માટે સમયાંતરે જિલ્લા ન્યાયાધીશ પાસેથી રિપોર્ટ લેતા રહે અને સાંસદ-ધારાસભ્ય વિરૂદ્ધ પેન્ડિંગ કેસની વિગતો સતત વેબસાઇટ પર અપડેટ કરે. સાંસદો-ધારાસભ્યો વિરુધ વધી રહેલા અપરાધિક કેસોને ધ્યાનમાં રાખીને, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને તે તમામ રાજ્યોમાં વિશેષ સાંસદ-ધારાસભ્ય અદાલતો બનાવવાનો આદેશ આપ્યો હતો જ્યાં આ જનપ્રતિનિધિઓ સામે કુલ 65થી વધુ કેસ પેન્ડિંગ છે. કોર્ટના આદેશ બાદ, કેન્દ્ર સરકારે 12 રાજ્યોમાં 01 વિશેષ અદાલતની સ્થાપના કરી છે. તાજેતરમાં, સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી જેમાં કહેવામાં આવ્યું હતું કે, આ અદાલતોમાં કેસોની ઝડપથી સુનાવણી થઈ રહી નથી. કેસોની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમામ પેન્ડિંગ કેસો શા માટે પેન્ડિંગ છે અને તેનું ઝડપથી નિરાકરણ કેમ નથી થઈ રહ્યું તે અંગે માહિતી માગી.