ચાલુ વર્ષે રાજ્યમાં 26 ટકા વરસાદની ઘટ હોવાથી ખેડૂતો માટે આફતની સ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ સરકારે રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કરતા ખેડૂતોની સ્થિતિ પડ્યાં પર પાટું જેવી થઈ છે. ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરતી સરકાર ખેડૂતોને પોષણક્ષણ ભાવો તો આપી શક્તી નથી, તેની સાથે ખેત ઉત્પાદન માટે જરૂરી વસ્તુઓના પણ ભાવમાં વધારો કરી રહી છે. આમ ખેડૂતોની આવક બમણી કરવાની વાત તો યોજનો દૂર રહી પણ જગતનો તાત દિવસેને દિવસે દેવાંના ડુંગર તળે તો ચોક્કસ દબાઈ રહ્યો છે.
પ્રતિ બેગ 60 રૂપિયા વધ્યા, એક મહીનામાં બે વાર વધારો
આજે NPK ખાતરમાં પ્રતિ બેગ 60 રૂપિયાનો વધારો કરવામાં આવતા હવે NPK ખાતરની એક બેગનો ભાવ 1,340 રૂપિયા થઈ ગયો છે. જ્યારે DAP ખાતરમાં પ્રતિબેગ 60 રૂપિયાનો વધારો કરવામાં આવતા DAP ખાતરની એક બેગનો ભાવ 1400 થયો છે. આ સાથે જ પોટાશ ખાતરની બેગમાં 230 રૂપિયાનો વધારો થતાં પોટાશ ખાતરની એક બેગનો ભાવ 950 રૂપિયા થયો છે.આમ ખાતરના ભાવમાં એક મહિનામાં બે વાર વધારો ઝીંકવામાં આવ્યો છે, ત્યારે ફરી રાસાયણિક ખાતરના ભાવ વધતાં ખેડૂતોમાં ભારોભાર રોષ દેખાઈ રહ્યો છે.
પેટ્રોલના ભાવ વધવાથી કદાચ વધારો થયો હોય શકેઃ નીતિન પટે
ખાતરનાં ભાવવધારાથી ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ અજાણ હોવાની વાત સામે આવી છે. મહેસાણા જિલ્લાની બૃહદ કારોબારીમાં ગુજરાતનાં ડેપ્યુટી સી.એમ નીતિનભાઇએ નિવેદન આપતા જણાવ્યું કે ખાતરમાં ભાવ વધારા અંગે મને ખબર નથી. કદાચ પેટ્રોલનાં ભાવ વધતા ખાતરનાં ભાવ વધ્યાં હશે.