કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીએ આજે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં રૂ. 2.50 પ્રતિ લીટરનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય નાણાં મંત્રીની આ જાહેરાત બાદ રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ ટ્વિટ કરીને પેટ્રોલ-ડીઝલમાં 2.50 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આમ ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલમાં પાંચ રૂપિયા જેવો માતબર ઘટાડો થશે. રાજ્ય અને કેન્દ્ર સરકારે આગામી લોકસભા ચૂંટણીને પગલે જનતામાં વ્યાપેલા રોષને પગલે આ ભાવ ઘટાડો કરવાની ફરજ પડી છે. ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર માસમાં કોંગ્રેસે ભારત બંધનું એલાન આપ્યું ત્યારે રાજ્ય કે કેન્દ્ર સરકાર ભાવ ઘટાડો કરવાના મૂડમાં નહોતી. પરંતુ હાલ બેફામ ફાટી નીકળેલી મોંઘવારીને ડામવા માટે સરકારે અંતે જનતા સામે ઝુકવાની ફરજ પડી છે.જેટલીની જાહેરાત પછી ગુજરાત સહિત મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને છત્તીસગઢે પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં લિટર દીઠ રૂ. 2.50નો ઘટાડો કર્યો છે.
ભાવ ઘટાડો આજ મધરાતથી અમલીઃ નાયબ મુખ્યમંત્રી
મુખ્યમંત્રીના ટ્વિટ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાની જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કરોડો નાગરિકો, વાહનચાલકો-ટ્રાન્સપોર્ટરો અને ખેડૂતોને રાહત આપવા માટે પેટ્રોલ-ડીઝલના ભાવમાં રૂ.2.50નો ઘટાડો કર્યો છે. ભારત સરકારના આ નિર્ણયને અનુસરીને ગુજરાત સરકારે પણ રાજ્યના નાગરિકોને પણ વધુ રાહત આપવા લિટરે પેટ્રોલમાં રૂ.2.50 અને ડીઝલમાં રૂ.2.50 ઘટાડવાનો નિર્ણય કર્યો છે. આમ ભારત સરકાર અને રાજ્ય સરકારની બંનેની રાહત મળીને ગુજરાતમાં પેટ્રોલ લિટરે રૂ.5 અને ડીઝલ લિટરે રૂ.5 સસ્તું થશે. જેનો આ જ રાતથી જ અમલ થશે.
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, છેલ્લા કેટલાક વર્ષોથી ક્રુડના ભાવો આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહ્યા છે, જેના પરિણામે પેટ્રોલ-ડીઝલના ભાવો ઉત્તરોત્તર વધ્યા છે ત્યારે નાગરિકોને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે જે નિર્ણય લીધો છે, તે માટે ગુજરાતના નાગરિકો વતી રાજ્ય સરકારે આભાર માન્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલના ભાવમાં રૂ.2.50 અને ડીઝલના ભાવમાં રૂ.2.50નો ઘટાડો કર્યો છે અને રાજ્યોને તેનો અમલ કરવા જણાવ્યું છે.
રાજ્ય સરકારની આવકમાં આશરે 1800થી 2૦૦૦ કરોડ ઘટશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ગુજરાતના છ કરોડથી વધુ નાગરિકો,વાહનચાલકો-ટ્રાન્સપોર્ટરો અને ખેડૂતોને રાહત આપવા માટે આ નિર્ણયનો આજ થી જ અમલ કરવા જણાવ્યું છે તે મુજબ ગુજરાત સરકાર પણ પેટ્રોલમાં લિટરે રૂ.2.50 અને ડીઝલમાં પણ લિટરે રૂ.2.50નો ઘટાડો કરશે એટલે કે, હવે રાજ્યમાં પેટ્રોલના ભાવમાં રૂ.5 અને ડીઝલના ભાવમાં પણ રૂ.5 નો ઘટાડો થશે. ગુજરાતના નાગરિકોને રાહત આપવા માટે વર્ષ 2017માં પણ પેટ્રોલ-ડીઝલ પર લેવાતા વેટમાં 4 % નો ઘટાડો રાજ્ય સરકારે કર્યો હતો. જેના પરિણામે આજે પેટ્રોલ-ડીઝલ પર 20 % વેટ લેવામાં આવી રહ્યો છે. તેમાં રૂ.2.50નો ઘટાડો થાય તે મુજબ વેટ વસૂલવામાં આવશે. આ ઘટાડો થવાના કારણે રાજ્ય સરકારની આવકમાં આશરે 1800થી 2૦૦૦ કરોડનો ઘટાડો થશે.
કેન્દ્રીય નાણાં મંત્રીની રાજ્ય સરકારને વેટ ઘટાડવા અપીલ
કેન્દ્રીય નાણાંમંત્રીએ એક પ્રેસ કોન્ફરન્સમાં શેરબજાર, પેટ્રોલ-ડીઝલની કિંમતો વિશે ઉંડાણપૂર્વક વાત કરી હતી. તેમાં તેમણે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં રૂ. 2.50નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત પેટ્રોલની એક્સાઈઝ ડ્યૂટીમાં રુપિયા 1.50 સુધી ઘટાડવામાં આવશે. તેમજ ઓઈલ માર્કેટિંગ કંપનીઓને 1 રૂપિયાનો ઘટાડો કરવા માટે કહેવામાં આવ્યું છે.
કેન્દ્રની જાહેરાતની થોડી મિનિટ્સમાં જ રાજ્ય સરકારે કર્યો ઘટાડો
તેની સાથે સાથે નાણાંમંત્રીએ રાજ્ય સરકારને પણ વેટ ઘટાડવાની અપીલ કરી હતી. જેટલીની આ અપીલ પછી ગુજરાત સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં 2.50 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. સીએમ રુપાણીએ ટ્વિટ કરીને ભાવમાં ઘટાડાની જાહેરાત કરી હતી.