ન્યૂઝીલેન્ડે ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે. લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ ટીમમાં પરત ફર્યો, જેથી તે T20 વર્લ્ડ કપ માટે ટીમની તૈયારીઓમાં સામેલ થઈ શકે.કેપ્ટન કેન વિલિયમસન તેના ત્રીજા બાળકના જન્મ માટે રજા પર જશે. જ્યારે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં ઈજાગ્રસ્ત ડેરીલ મિચેલ ઓસ્ટ્રેલિયા સામે રમી શકશે નહીં.બોલ્ટ હાલમાં UAEમાં MI અમીરાત ટીમ માટે ILT20 રમી રહ્યો છે. તેની ટીમ પ્લેઓફમાં પહોંચી ગઈ છે. ટુર્નામેન્ટની ફાઈનલ 19 ફેબ્રુઆરીના રોજ યોજાશે, તેથી તે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ T20 રમી શકશે નહીં. તેને બીજી અને ત્રીજી મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે ટિમ સાઉથીનું સ્થાન લેશે, જે ફક્ત પ્રથમ T20 માટે જ ટીમનો ભાગ છે.ટ્રેન્ટ બોલ્ટ ન્યૂઝીલેન્ડના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનો ભાગ નથી, તેથી જ તે હાલમાં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ રમી રહ્યો નથી. તેણે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ODI વર્લ્ડ કપમાં ભારત સામે રમી હતી, જ્યાં ટીમને સેમિફાઈનલમાં ઈન્ડિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.બોલ્ટે તેની છેલ્લીT20 આંતરરાષ્ટ્રીય મેચ પણ 15 મહિના પહેલા નવેમ્બર 2022માં રમી હતી. આ મેચ પણ T20 વર્લ્ડ કપનો એક ભાગ હતી, ટીમને અહીં સેમિફાઈનલમાં પાકિસ્તાનથી હારનો સામનો કરવો પડ્યો હતો.ન્યૂઝીલેન્ડ લિમિટેડ ઓવરની ટીમનો કેપ્ટન કેન વિલિયમસન ઓસ્ટ્રેલિયા સામે T20 સિરીઝ નહીં રમે. તેણે ત્રીજા બાળકના જન્મ માટે પેટરનિટી લીવ માગી હતી, જે મંજૂર કરવામાં આવી છે.