અમૃતસર: પંજાબના અમૃતસરમાં જોડા રેલવે ફાટક પાસે આયોજિત રાવણ દહનના કાર્યક્રમમાં નાસભાગના કારણે થયેલ દૂર્ઘટનામાં ઓછામાં ઓછા 50 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતાં મૃતક પરિવરો માટે પાંચ લાખ રૂપિયા વળતર અને ઈજાગ્રસ્તોને ફ્રિ સારવાર કરાવવાની જાહેરાત કરી છે. તે સાથે જ તેમને જણાવ્યું કે, જિલ્લા પ્રશાસને યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય શરૂ કરવાના નિર્દેશ આપ્યા છે અને પરિસ્થિતિ પર નજર રાખવા માટે તેઓ પોતે અમૃતસર જઈ રહ્યાં છે.
પંજાબ પોલીસના એક અધિકારીએ આ ઘટનાને લઈને જણાવ્યું કે, આ ઘટનામાં 50થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. અમે લોકોને ત્યાંથી નિકાળવાની કોશિષ કરી રહ્યાં છીએ અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યાં છે. મળેલી જાણકારી અનુસાર, અમૃતસરમાં રેલવે ટ્રેક પાસે રાવણ દહન કાર્યક્રમ ચાલી રહ્યો હતો, ત્યારે સળગતો પુતળો પડવાથી ત્યાં દોડધામ મચી ગઈ. સળગતા પુતળાથી બચવા માટે કેટલાક લોકો ત્યાંથી દોડ્યા, પરંતુ ત્યાંથી પ્રસાર થઈ રહેલ પઠાણકોટથી અમૃતસર જઈ રહેલ ટ્રેનની હડફેટે આવી ગયા. નજરે જોનારાઓનું કહેવું છે કે, ત્યાં ટ્રેન ખુબ જ સ્પીડથી ચાલી રહી હતી અને રેલવે ફાટકથી પ્રસાર થઈ ત્યારે પણ હોર્ન વગાડવામા આવ્યો નહતો. ઘટના સ્થળે ફટાકડાઓનો શોરશરાબો એટલો બધો હતો કે, જેના કારણે લોકો ટ્રેનનો અવાજ સાંભળી શક્યા નહી અને ટ્રેન ક્યારે આવી તેની ખબર જ ના પડી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ટ્રેન પઠાનકોટથી અમૃતસર જઈ રહી હતી. અમૃતસરના જોડા ફાટક પાસે દશેરાનો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો હતો. જે સમયે પુતળાઓમાં આગ લગાવવામા આવી તે સમયે દોડધામ વચ્ચે લોકો રેલવે ટ્રેક પર આવી ગયા. આ સમયે જ રેલવે આવી ગઈ, જેના કારણે સેકન્ડો લોકોની ટ્રેન સાથે ટક્કર થઈ ગઈ. આ ઘટનામાં 50થી વધારે લોકોએ જીવ ગુમાવ્યાના સમાચાર આવી રહ્યાં છે, જોકે આ આંકડો ચોક્કસ નથી. આ આંકડો એક અંદાજા અનુસાર કહેવામાં આવી રહ્યો છે, જોકે, આ આંકડામાં વધારો પણ થઈ શકે છે અને ઘટાડો પણ થઈ શકે છે. કોઈપણ અધિકારીઓ સત્તાવાર રીતે કેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે તેની જાહેરાત કરી નથી. પરંતુ ઘટના સ્થળે પહોંચેલ પોલીસે ચોક્કસ રીતે જણાવ્યું છે કે, ઓછામાં ઓછા 50 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.