ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ચાલતા નકલી ભારતીય ચલણી નોટો બનાવવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે 17 લાખથી વધુ નકલી નોટો સાથે બે શખ્સોને ઝડપી પાડયા છે. આ સિવાય પોલીસે છાપવાના પ્રિન્ટર સહિતની સામગ્રી પણ જપ્ત કરી છે.
પોલીસના એસઓજી ગ્રુપે ભરૂચના જિલ્લાના નેત્રંગ તાલુકાના ફોકડી ગામના એક મકાનમાં ભારતીય ચલણી નોટો બનાવવામાં આવતી હોવાની માહિતી મળી હતી. આ માહિતીના આધારે એસઓજી પોલીસે નેત્રંગમાં રેડ કરીને ભારતીય ચલણી નોટોનું છાપકામ કરતું યુનિટ ઝડપી પાડયું હતું. રેડમાં પોલિસે 200, 500 અને 2000 હજારના દરની નોટો સહિત 17 લાખથી વધુની નકલી નોટો જપ્ત કરી હતી.
આ ઉપરાંત પોલીસે 4 પિસ્તોલ અને 8 કાર્ટિજ સાથે સાચા એક લાખ રૂપિયા જપ્ત કર્યા હતા. આ સિવાય મકાનમાંથી પ્રિન્ટર પણ મળી આવ્યું હતું. એસઓજી પોલીસે રેડ દરમિયાન ઝડપાયેલા બે વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.