ઓઢવ વિસ્તારમાં આવેલા અરિહંત ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં એક ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બની હતી. જેમાં માલિક અને કારીગરના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. જ્યારે ત્રણ વ્યક્તિને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફેક્ટરીમાં બ્લાસ્ટ અને આગ લાગવાના એક્સક્લુસિવ સીસીટીવી ફૂટેજ સૌ પહેલાં દિવ્ય ભાસ્કર પાસે આવ્યા છે. 74 નંબરના ગોડાઉનમાં 1.04 વાગ્યે બે વ્યક્તિ ફેક્ટરીમાં બેઠા છે અને અચાનક જ બાજુના ગોડાઉનમાં બ્લાસ્ટ થતા ઉપરનું ધાબું તૂટી પડે છે અને આગ લાગે છે. આ ગોડાઉનમાં કામ કરતા એક કર્મચારીને ઈજા થતાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો. સીસીટીવીમાં કોઈ પપ્પા…પપ્પાની બૂમો પાડી રહ્યું હોય તેવું સંભળાય છે. તેમજ કોઈ ફાયરબ્રિગેડને ફોન કરો તેમ કહી રોકકળ કરે છે.
ગોડાઉનમાં બેઠેલી બે વ્યક્તિ સીસીટીવીમાં નજરે પડે છે
ફેક્ટરીમાં જે બ્લાસ્ટ થયો અને બાદમાં આગ લાગી હતી તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 75 નંબરની ફેક્ટરીની બાજુમાં આવેલી 74 નંબરના ગોડાઉનના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જે ફૂટેજમાં બે વ્યક્તિ ગોડાઉનમાં બેઠા છે અને 1.04 મિનિટે અચાનક જ જોરદાર એક બ્લાસ્ટ થાય છે જેના કારણે આખી દીવાલ તૂટી અને ગોડાઉનમાં ધાબું પડે છે. જે બાદ તુરંત જ એક મિનિટમાં આગ શરૂ થઈ જાય છે. કાટમાળ અને આગ સિવાય કશું દેખાતું નથી. આ ગોડાઉનમાં કામ કરતા એક કારીગર સદનસીબે બચી જાય છે.
અરિહંત ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ખાતે શેડ.75. બંશી પાઉડર કોટિંગમાં બ્લાસ્ટના કારણે ફાયરની ટોટલ પાંચ ટીમ ઘટના સ્થળ પર મોકલવામાં આવી અને ફાયર ફાઈટિંગ દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું હતું. જેમાં રમેશભાઈ પટેલ ઉમર 50 માલિક પોતે કારીગર પવનકુમાર ઉંમર 25 108ના જણાવ્યા પ્રમાણે મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમનો પુત્ર વાસુદેવ ઘાયલ થતાં 108 મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો છે. જ્યારે શેડ નંબર 74 ગણેશ પ્લાસ્ટિકના માલિક ડુંગરસિંહ બહાદૂરસિંહ રાજપૂત, કારીગર સુરપાલસી ઠાકોર ઉંમર.22ને 108 મારફતે નજીકના હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે શેડ 76 આકાશ ઇન્ડસ્ટ્રીઝ શેડ બ્લાસ્ટના કારણે ગંભીર રીતે જર્જરિત હાલતમાં કોઇ જાનહાનિ કે ઈજા નથી.
ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે, ઓઢવ વિસ્તારમાં રિંગ રોડ પર શબરી હોટલની ગલીમાં અરિહંત ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આવેલી બંસી પાઉડર કોટિંગ નામની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હતી. જેથી તાત્કાલિક ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના અધિકારીઓ અને કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ફેક્ટરી માલિક રમેશ પટેલ અને કારીગર પવનકુમારના બ્લાસ્ટના કારણે ગંભીર રીતે ઈજા થતાં ઘટનાસ્થળે જ મૃત હાલતમાં મળી આવ્યા હતા. ત્રણ લોકોને ઈજા થઈ હતી જેથી તેઓને એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ફાયરનાં કુલ 11 વાહનો જોડાયાં હતાં. જેમાં CFO, ACFO, DFO, STO, SFO, LFM, 11 DCO અને 18 ફાયરમેન જોડાયા હતા. દુર્ઘટનામાં કુલ બે કેઝ્યુલ્ટી ઘટના સ્થળ પર પોલીસ વિભાગને હેન્ડ ઓવર કરવામાં આવી છે અને કુલ ત્રણને 108 તથા પ્રાઇવેટ વાહન મારફતે નજીકની હોસ્પિટલમાં રવાના કરવામાં આવ્યા હતા.