સાઉથ આફ્રિકાએ પહેલીવાર વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ કર્યો અને ટીમ પરના ચોકર્સનો ટેગ કાઢી નાખ્યો છે. સાઉથ આફ્રિકાની ટીમ 5 વખત ODI વર્લ્ડ કપ અને 2 વખત T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાંથી બહાર રહી છે.સાઉથ આફ્રિકાએ સેમિફાઈનલમાં અફઘાનિસ્તાનને હરાવીને T20 વર્લ્ડ કપ 2024માં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે.
હવે ફાઈનલમાં પહોંચનારી બીજી ટીમનો નિર્ણય રાત્રે આવશે. ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડની ટીમ સામસામે ટકરાશે. જોકે આજની મેચમાં વરસાદની સંભાવના છે. જો વરસાદના કારણે મેચ રદ થશે, તો ટેબલ ટોપર હોવાથી ભારત ફાઈનલમાં એન્ટ્રી કરશે.
અગાઉ, ત્રિનિદાદ અને ટોબેગોના બ્રાયન લારા સ્ટેડિયમમાં અફઘાનિસ્તાને ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ માત્ર 11.5 ઓવરમાં 56 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં સાઉથ આફ્રિકાએ 8.5 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. T-20 ઈન્ટરનેશનલમાં અફઘાનિસ્તાનનું સૌથી લોએસ્ટ ટીમ ટોટલ છે. આ ટીમનો અગાઉનો સૌથી ઓછો સ્કોર 72 રન હતો, જે 2014 T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે બન્યો હતો.
અફઘાનિસ્તાન તરફથી કોઈ બેટર મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. અઝમતુલ્લા ઓમરઝાઈએ સૌથી વધુ 10 રન બનાવ્યા હતા. તેના સિવાય એક પણ ખેલાડી ડબલ ફિગર પણ પાર કરી શક્યો નથી. સાઉથ આફ્રિકાના માર્કો યાન્સેન અને તબરેઝ શમ્સીએ 3-3 વિકેટ લીધી હતી. કાગીસો રબાડા અને એનરિક નોર્કિયાએ 2-2 વિકેટ લીધી હતી.