કોંગ્રેસ નેતા શશિ થરૂરે રવિવારે કહ્યું કે વડાપ્રધાન મોદી સંઘની મર્યાદા ઓળંગી ગયા છે. થરૂરે જણાવ્યું કે સંઘના સભ્યએ એક પત્રકારને નામ ન જાહેર કરવાની શરતે કહ્યું હતું કે- મોદી RSS માટે શિવલિંગ પર બેઠેલં તે વીંછી જેવા છે જેને ન હાથથી હટાવી શકાય કે ન ચંપલથી મારી શકાય. જો હાથેથી હટાવવામાં આવે તો તે ખરાબ રીતે ડંખ મારી લેશે.
થરૂર રવિવારે બેંગલુરુમાં લિટરેચર ફેસ્ટિવલમાં હાજર રહ્યાં હતા. જ્યાં તેઓ પોતાનું પુસ્તક ‘ધ પેરાડોક્સિયલ પ્રાઈમ મિનિસ્ટર’ અંગે વાત કરી રહ્યાં હતા. તેઓએ કહ્યું કે, “મોદી હાલનું વ્યક્તિત્વ તેમના સમકક્ષો માટે નિરાશાનો વિષય બની ગયું છે. મોદિત્વ, મોદી પ્લસ હિંદુત્વના કારણે તેઓ સંઘથી પણ ઉપર થઈ ગયા છે.”
‘ગૃહમંત્રીને ખબર ન હતી કે CBIના પ્રમુખને હટાવવામાં આવ્યાં’
– મોદી સરકારની નિંદા કરતાં થરૂરે વધુમાં કહ્યું કે, “હાલની સરકારમાં મંત્રાલય અને અધિકાર પ્રાપ્ત ઓફિસરને પણ પોતાના નિર્ણયો પર PMOની મંજૂરીની રાહ જોવી પડે છે. આ તેનું જ કારણ છે કે ગૃહમંત્રીને પણ ખ્યાલ ન હતો કે CBIના પ્રમુખને હટાવવામાં આવ્યા. વિદેશ મંત્રીને વિદેશ નીતિ સાથેના બદલાવ અંગે કોઈ જ જાણકારી નથી હોતી. રક્ષા મંત્રીને અંતિમ સમયે રાફેલ ડીલમાં થયેલાં બદલાવ અંગે કોઈ ખ્યાલ નથી હોતો.”
રામમંદિર પર આપ્યું હતું વિવાદિત નિવેદન
– શશિ થરૂરે હાલમાં અયોધ્યામાં રામમંદિર નિર્માણને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. થરૂરે કહ્યું હતું કે કોઈ પણ સારો હિંદુ નથી ઈચ્છતો કે અયોધ્યામાં રામ મંદિર બને. જો કે વિવાદ વધતાં તેઓએ ચોખવટ કરી હતી કે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરાયું.