અમદાવાદ પૂર્વમાં રાયપુર દરવાજા સામે આવેલી વિવેકાનંદ કોલેજ બિલ્ડીંગ કેમ્પસ વર્ષો જુનુ કેમ્પસ છે અને આ બિલ્ડીંગમાં યુજી-પીજીની ઘણી કોલેજો છે ચાલે છે ત્યારે કોલેજ બિલ્ડીંગને બીયુ,ફાયર સહિતના મુદ્દે કોર્પોરેશન દ્વારા સીલ કરવામા આવ્યુ છે.જેને પગલે હાલ વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે અને કોર્પોરેશન દ્વારા બિલ્ડિંગ સીલ કરાતા કોલેજના વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા દિવસોથી ઓનલાઈન શિક્ષણ લઈ રહ્યા છે.વિવેકાનંદ કોલેજ બિલ્ડીંગમાં આર્ટસ,કોમર્સ, બી.એડ અને લૉ સહિતની ફેકલ્ટીમાં યુજી-પીજીની કોલેજો ચાલે છે અને પુર્વના વિદ્યાર્થીઓ માટે આ કોલેજો મહત્વની ગણવામા આવે છે ત્યારે રાજકોટના અગ્નિકાંડની ઘટના બાદ અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા ફાયર-બીયુ સહિતના મુદ્દે વિવિધ બિલ્ડીંગો-એકમોને સીલ કરવાની પ્રક્રિયામાં વિવેકાનંદ કોલેજ બિલ્ડીંગને પણ સીલ કરવામા આવ્યું છે.
જેથી હાલ વિવિધ કોર્સમાં વિવિધ વર્ષમાં ભણતા સેંકડો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. કોલેજે કોર્પોરેશન પર ખોટી રીતે બિલ્ડિંગ સીલ કરી હોવાના આક્ષેપો કર્યા છે. કોલેજના પ્રિન્સિપલે કહ્યું કે, કોલેજ પાસે બીયુ પરમિશન હોવા છતાં કોર્પોરેશન દ્વારા બિલ્ડિંગ ખોટી રીતે સીલ કરવામાં આવ્યું છે, તેનાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ રહી છે.