વડોદરાના ગેંડા સર્કલ નજીક ઓફિસ ધરાવી અમેરિકામાં નોકરી અપાવવાનો નામે રૂ.1.34 કરોડની છેતરપિંડી કરનાર સંચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.માંજલપુરના હરિધામ ફ્લેટ્સ ખાતે રહેતા જીગ્નેશ પટેલએ પોલીસને કહ્યું છે કે, અમેરિકામાં એક પરિવારને દેખરેખ રાખવા માટે મહિલાની જરૂર હોવાથી મેં એડવર્ટાઈઝ આપનાર વ્યક્તિનો મોબાઇલ ફોન પર સંપર્ક કર્યો હતો. હેમલ ઉર્ફે મેહુલ મહેન્દ્રભાઈ. પટેલે મારી સાથે વાત કરી હતી અને અમને સારાભાઈ કેમ્પસ ખાતે નોટ્સ આઈટી પાર્ક ખાતે રૂબરૂમાં બોલાવ્યા હતા.હું અને મારી પત્ની ઓફિસ સંચાલકને મળવા ગયા ત્યારે તેણે ડોક્યુમેન્ટસ લીધા હતા અને રૂ.સાત લાખનો ખર્ચ થશે તેમ કહ્યું હતું. જેથી મેં આ રકમ ચેક તેમજ કેશથી ચૂકવી હતી. ત્યારબાદ તેણે કોઈ પ્રોસિજર કર્યો ન હતો અને રૂ.દોઢ લાખ પરત આપ્યા હતા.જીગ્નેશ પટેલએ પોલીસને કહ્યું છે કે, મારી જેમ બોરસદના સવિતાબેન પટેલને પણ પરિવારજનોને અમેરિકા મોકલવા હોવાથી હેમલ પટેલે રૂ.1.25 કરોડ પડાવી લીધા હતા. જ્યારે રાજરત્ન સોસાયટી ખાતે રહેતા સંધ્યાબેન વૈજાપુરકર પાસે પણ આવી જ રીતે વર્ગ પરમીટ અપાવવાના નામે 4.34 લાખ પડાવ્યા હોવાની માહિતી જાણવા મળી છે. આમ હેમલ પટેલે કુલ રૂ.1.34 કરોડ ખંખેરી લેતા ગોરવા પોલીસે તેની સામે ગુનો નોંધ્યો છે.