આગામી આઇપીએલ 2025ની સિઝન માટેના મેગા ઓક્શન માટે રિટેન્શનના નિયમો શું હશે, તે અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા અત્યાર સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે બીસીસીઆઈ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની વિનંતી પર એક જૂનો નિયમ ફરીથી લાગુ કરી શકે છે, જેથી ચેન્નાઈ સુપર કિંગ્સને ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ટીમમાં જાળવી રાખવામાં મદદ થઇ શકે છે. હકીકતમાં બીસીસીઆઈ દ્વારા આઇપીએલમાં પહેલા એક નિયમ બનાવવામાં આવ્યો હતો કે, જે ખેલાડીએ પાંચ વર્ષ કરતા વધારે સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી હોય તેને અનકેપ્ડ ખેલાડી તરીકે ઓક્શનમાં સામેલ કરવામાં આવતો હતો. આ નિયમ આઇપીએલ ની શરૂઆતથી લઈને વર્ષ 2021 સુધી લાગુ હતો. ત્યારબાદ તેને રદ કરી દેવામાં આવ્યો હતો. હવે એક અહેવાલ અનુસાર, 31 જુલાઈના રોજ બીસીસીઆઈએ આઇપીએલ ફ્રેન્ચાઈઝીના માલિકો સાથે બેઠક યોજી હતી, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને આ નિયમને પુનઃસ્થાપિત કરવાની વિનંતી કરી હતી. રિપોર્ટ અનુસાર, ચેન્નાઈ સુપર કિંગ્સની આ વિનંતીને લઈને અન્ય ફ્રેન્ચાઇઝી તરફથી બહુ સમર્થન મળ્યું નથી, પરંતુ બીસીસીઆઈ આ નિયમને પાછો લાવવાના પક્ષમાં છે. જો નિયમ ફરીથી લાગુ થશે તો ચેન્નાઈ સુપર કિંગ્સ અનકેપ્ડ ખેલાડી તરીકે મહેન્દ્ર સિંહ ધોનીને પોતાની ટીમમાં જાળવી શકે છે.