અમદાવાદમાં શ્રાવણમાં જ ભાદરવા જેવી આકરી ગરમી પડવા લાગી છે. મંગળવારે 36.1 ડિગ્રી સાથે અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.5 ડિગ્રીનો વધારો થયો હતો. અમદાવાદમાં છેલ્લા 3 વર્ષમાં ઓગસ્ટમાં નોંધાયેલું આ સૌથી વધુ તાપમાન છે. અમદાવાદમાં સોમવારે સવારથી જ તાપ અને અસહ્ય ઉકળાટનો પ્રારંભ થઇ ગયો હતો. વરસાદ ખેંચાતાં છેલ્લા ચાર દિવસમાં જ અમદાવાદનું મહત્તમ તાપમાન 3 ડિગ્રીથી વધી ગયું છે. હવામાં ભેજનું પ્રમાણ 73 ટકા જેટલું નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ચાર દિવસ અમદાવાદનું તાપમાન 35 ડિગ્રીની આસપાસ જ રહે તેવી સંભાવના છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર અમદાવાદમાં આગામી 25 ઓગસ્ટ સુધી વરસાદની સંભાવના નથી અને માત્ર છૂટાછવાયાં ઝાપટાં પડી શકે છે.
સોમવારે દિવસ દરમિયાન રાજ્યમાંથી અન્યત્ર સુરેન્દ્રનગરમાં 35.6, રાજકોટ-વડોદરા-ભાવનગર-ડીસામાં 35.4, ગાંધીનગર-ભુજમાં 35, સુરતમાં 34.8, પોરબંદરમાં 34.4, વલસાડમાં 34 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બુધવાર-ગુરુવારે ડાંગ- તાપી-નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.