સુરત : સુરત મહાનગરપાલિકા વેરો ભરતા લોકોને નિયમ પાડવા માટે નોટિસ આપે છે પરંતુ કોઈ પણ જાતનો વેરો નહીં ભરીને નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો સામે કોઈ કામગીરી કરતું નથી. હાલમાં પાલિકાના ફાયર વિભાગે શહેરની રહેણાંક સોસાયટીમાં પાર્કિંગ બહાર ગાડી મુકે તો નોટિસ આપવાનું શરૂ કર્યું છે. પરંતુ સોસાયટી બહાર કે શહેરના દરેક ચાર રસ્તા પર ગેરકાયદે દબાણ કરનારા સામે કોઈ પગલાં ભરવામાં આવતા નથી. પાલિકાની આવી નિતીના કારણે લોકોમાં રોષ છે. પાલિકાનો વેરો ભરી નિયમ પાડનારા સામે કડકાઈ પણ કોઈ જાતનો વેરો નહીં ભરી રસ્તા પર દબાણ કરનારા સામે કોઈ કામગીરી ન થતી હોવાની વાત લોકોમાં ચર્ચાનો વિષય બની છે. સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગે હાલમાં શહેરના રહેણાંક સોસાયટીમાં જઈને સોસાયટીના બિલ્ડીંગ પાર્કિંગ સિવાયના ભાગ એટલે કે સોસાયટીના આંતરિક રસ્તા પર પાર્ક થયેલા વાહનો સામે વિરોધ કર્યો છે. ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે સોસાયટીમાં કોઈ દુર્ઘટના થાય તો ફાયરના વાહનોની અવર જવર માટે મુશ્કેલી પડે તેમ છે. તેથી પાર્કિંગ સિવાયના રસ્તા પર કોઈ વાહનો પાર્ક કરવાના રહેતા નથી. સુરતની મોટા ભાગના સોસાયટીઓમાં ફ્લેટ કરતા વાહનોની સંખ્યા વધુ છે. તેથી કેટલીક જગ્યાએ અન્ય વાહનો પસાર થઈ શકે તેવી રીતે રોડની સાઇડમાં વાહન પાર્ક કરવામાં આવે છે તે પાલિકા તંત્રને નડી રહ્યો છે અને તેને અન્ય જગ્યાએ પાર્કિંગ કરવા માટે નોટિસ આપવામાં આવી રહી છે. પાલિકાના ફાયર વિભાગે આજે સુરતના પાલનપોર કેનાલ રોડની સોસાયટીઓમાં ફાયરની નોટિસ આપવાનું શરૂ કર્યું છે. જેમાં 1થી 14 સુધી પ્રિન્ટ કરેલી સુવિધા ઉભી કરવા માટે તાકીદ કરવામાં આવી છે. પરંતુ આ એક સરખી નોટિસ બધાને આપવામાં આવી છે. તેમાં કોઈ ચોક્કસ કારણ રજૂ કરવામાં આવ્યું નથી. જોકે, મૌખિક રીતે રસ્તા પર વાહન પાર્ક થાય છે તે નહી થાય તેવી તાકીદ કરી છે.