સુરત મહાનગરપાલિકામાં ફાયર વિભાગના અધિકારીઓની ભરતી મુદ્દે નાગપુર કોલેજ સ્પોન્સર લેટર વિવાદ ઉભો થયો છે. અમદાવાદમાં નાગપુર કોલેજના બોગસ લેટર પ્રકરણ બહાર આવ્યા બાદ પાલિકા તંત્રએ પણ વેઇટ એન્ડ વોચની નીતિ અપાવી દીધી છે. પાલિકાના રિક્રુટમેન્ટ વિભાગે નાગપુર કોલેજને પત્ર લખ્યો છે. નાગપુર કોલેજ સ્પોન્સર લેટર ખરાઈ બાદ જ 6 સબ ફાયર ઓફિસરની નિમણૂક કરવા નિર્ણય કર્યો છે. સુરત પાલિકાના ફાયર વિભાગમાં સબ ફાયર ઓફિસરની કુલ મંજુર જગ્યા પૈકી 50 ટકા એટલે કે 35 ટકા સીધી ભરતીથી કરવાની નીતિ અપાવની છે. તેના કારણે પાલિકાના રીક્રુટમેન્ટ વિભાગે 25 જગ્યા ભરવા માટે અરજી મંગાવી હતી. તેના માટે 27 અરજી આવી હતી. જેમાંથી 18 ઉમેદવારની જ અરજી માન્ય રહી હતી. પાલિકાના માપદંડ મુજબ ઓછામાં ઓછા 50 ટકા ગુણ ફરજિયાત છે. જેના કારણે 18 અરજી માન્ય રહી છે તે જોતાં માત્ર 6 ઉમેદવારો જ સબ ફાયર ઓફિસર તરીકે લઈ શકાય તેમ છે.જોકે, આ નિમણુંક પહેલાં જ અમદાવાદ સાથે સુરતમાં પણ નાગપુરની નેશનલ ફાયર કોલેજના સ્પોન્સર લેટર બાબતે વિવાદ ઉભો થયો છે. આ વિવાદમાં સુરતમાં પણ બોગસ લેટર હોય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. આ ઉપરાંત આ મુદ્દે ભારે હોબાળો થતાં પાલિકાએ જે 6 ઉમેદવારોને નિમણૂક આપી શકાય છે તેવા ઉમેદવારોના સ્પોન્સર લેટર માટેની પ્રક્રિયા પાલિકાએ હાથ ધરી છે.
આ છ ઉમેદવારોની ભરતી સીધી થઈ શકાય તેમ હોય પાલિકાના રિક્રુટમેન્ટ વિભાગે નાગપુર કોલેજ ને પત્ર લખ્યો છે. નાગપુર નેશનલ ફાયર કોલેજ ઓથોરિટીને તમામ 6 ઉમેદવારોને કઇ કંપની, સંસ્થા, ઍજન્સીના સ્પોન્સર લેટર પર પ્રવેશ આપવામાં આવ્યો હતો? તે અંગેની માહિતીની ખરાઈ કરવા માટેનો પત્રમાં ઉલ્લેખ કરવામા આવ્યો છે. આ માહિતીïના આધારે તંત્ર દ્વારા સ્થળ તપાસ તથા એજન્સીના લેટરપેડ પર ખરાઈ કર્યા બાદ જ તમામ 6 સબ ફાયર ઓફિસરોને નિમણૂક પત્ર આપવામાં આવશે.આ ઉપરાંત છેલ્લા 10-12 વર્ષમાં સીધી ભરતીથી નિમણૂક પામેલા તમામ સબ ફાયર ઓફિસરોના સ્પોન્સર લેટરની ખરાઈ કરવા માટે ફાયર વિભાગ દ્વારા વિજીલન્સ વિભાગને ગયા અઠવાડિયે પત્ર લખવામાં આવ્યો છે. જેના કારણે પાલિકાના વિજીલન્સ વિભાગે સીધી ભરતીથી નિમણૂક પામેલા સબ ફાયર ઓફિસરની વિગતો મેળવવાનું શરુ કર્યું છે. આ તપાસ બાદ અમદાવાદ જેમ બોગસ લેટર મળી આવે તેવી શક્યતા વ્યક્ત થતી હોવાથી કર્મચારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.