
મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજીની પ્રતિમા ધરાશાયી થવાના મામલે પોલીસે મૂર્તિકારની ધરપકડ કરી લીધી છે. આ પહેલા પણ પોલીસે ઘણા લોકો વિરુદ્ધ આ ઘટનાને લઈને કેસ નોંધ્યો છે. ખાસ વાત એ છે કે મૂર્તિકાર જયદીપ આપ્ટેની પોલીસે તેની પત્નીની મદદથી જ ધરપકડ કરી છે. 26 ઓગસ્ટે ઉદ્ધાટનના થોડા મહિના બાદ જ મૂર્તિ ધરાશાયી થઈ ગઈ હતી. પોલીસે આપ્ટેની શોધ માટે 7 ટીમની રચના કરી હતી. આપ્ટેની બુધવારે તેના ઘરની બહારથી જ ધરપકડ કરી દેવાઈ છે. તે પોતાના પરિવારને મળવા પહોંચ્યો હતો. રિપોર્ટ અનુસાર પોલીસનું કહેવું છે કે આપ્ટેએ પત્ની સાથે સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે તે ઘરે પરત ફરી રહ્યો છે. તે બાદ પત્નીએ આ જાણકારી પોલીસને આપી દીધી. પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આપ્ટેનો પરિવાર ચિંતિત હતો અને ઈચ્છતો હતો કે આપ્ટે પાછો ફરીને તપાસમાં મદદ કરે. માલવણ પોલીસે શિવાજીની પ્રતિમા ધરાશાયી થયા બાદ આપ્ટે અને સંરચના સલાહકાર ચેતન પાટિલ વિરુદ્ધ બેદરકારી અને અન્ય ગુના માટે કેસ નોંધ્યો હતો. પાટિલની ગયા અઠવાડિયે કોલ્હાપુરથી ધરપકડ કરી લેવાઈ હતી. આ ઘટનાના આરોપીઓની ધરપકડ પર પ્રતિક્રિયા આપતા ભાજપ નેતા પ્રવીણ દારકરે કહ્યું, ‘જે લોકો અમારી સરકારની ટીકા કરી રહ્યાં હતાં તેને હવે પોતાનું મોઢું બંધ કરી લેવું જોઈએ. આ સત્ય છે કે પોલીસે જયદીપ આપ્ટેની ધરપકડ કરવામાં થોડો સમય લીધો. અમે ધરપકડનો શ્રેય લઈ રહ્યાં નથી પરંતુ પોલીસે પોતાનું કામ કર્યું છે.’ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના (યુબીટી) નેતા સુષમા અંધારેએ કહ્યું, ‘રાજ્ય સરકારને આપ્ટેની ધરપકડનો શ્રેય લેવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં કેમ કે આ સરકારની ફરજ છે. તે કોઈ ‘અંડરવર્લ્ડનો ડોન’ નહોતો. તેની પહેલા જ ધરપકડ કરી લેવાની હતી.’